એશિયા કપની ફાઈનલમાં ભારતીય જુનિયર ટીમનો પાકિસ્તાન સામે 5-3થી વિજય: પાંચમાંથી ચાર ગોલ અરાઈજિત હુન્ડલે કર્યા
ભારતે મેન્સ જુનિયર હૉકી એશિયા કપ સતત ત્રીજી વાર જીતી લીધો છે. ભારતે બુધવાર રાતની ફાઇનલમાં પાકિસ્તાનને 5-3થી હરાવીને આ અપ્રતિમ સિદ્ધિ મેળવી હતી.
- Advertisement -
આ જીત સાથે ભારતે પાંચમી વાર અને સતત ત્રીજી વાર મેન્સ હૉકી જુનિયર એશિયા કપનો ખિતાબ હાંસલ કર્યો છે.
આ પહેલાં ભારતના જુનિયરો 2004, 2008, 2015 અને 2023માં આ એશિયન હૉકી ટૂર્નામેન્ટ જીત્યા હતા.
અપરાજિત ભારતીય ટીમ વતી બુધવારની ફાઇનલમાં પાંચમાંથી ચાર ગોલ અરાઈજિત હુન્ડલે કર્યા હતા.
ભારતીય હૉકીની સર્વોચ્ચ સંસ્થા હૉકી ઇન્ડિયાએ આ ઐતિહાસિક વિજયને પગલે જણાવ્યું હતું કે ‘ આપણી યુવા હૉકી ટીમે તનતોડ મહેનતથી માંડીને ટાઈટલ હૅટ-ટ્રિકની અસાધારણ સિદ્ધિ સુધીની આ સફર પરથી સાબિત કર્યું છે કે ભારત આ જ કારણસર હૉકીમાં પાવરહાઉસ તરીકે ઓળખાતું રહ્યું છે. આ સાથે ફરી એક વાર ભારતીય જુનિયરોએ એશિયન હૉકીમાં પ્રભુત્ત્વ અને અપ્રતિમ કૌશલ્ય પુરવાર કર્યાં છે.’
હૉકી ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં એવું પણ જણાવ્યું હતું કે ‘ભારતે વધુ એક રોમાંચક અને સનસનાટીભરી જીત મેળવી અને ભારતના નામે સોનેરી અક્ષરે વધુ એક પ્રકરણ લખાયું. આશા રાખીએ આપણા ખેલાડીઓ આ જ રીતે વિજય હાંસલ કરતા રહેશે અને હૉકીનો તાજ જ્યાં હોવો જોઈએ ત્યાં જ લાવતા રહેશે.’ અરાઈજિતે એક ફીલ્ડ ગોલ 47મી મિનિટમાં કર્યો હતો, પરંતુ તેણે (4, 18, 54મી મિનિટમાં ) ત્રણ ગોલ પેનલ્ટી કોર્નરમાંથી કર્યા હતા. ભારત વતી પાંચમો ગોલ દિલરાજ સિંહે 19 મિનિટમાં કર્યો હતો.