ખાસ-ખબર સંવાદદાતા
દિવાળી તહેવારના સમયે એક તરફ મુસાફરોની ભીડ વચ્ચે હળવદમાં રવિવારે એસટી બસના અકસ્માતની બે અલગ અલગ ઘટના સામે આવી હતી જેમાં અમદાવાદ તરફ જતી બંને એસટી બસે ઈકો કાર અને ઈનોવા કારને અડફેટમાં લેતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. આ બનાવના પગલે થોડીવાર માટે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા જોકે અકસ્માત સર્જાતા બંને બસોના મુસાફરો અટવાયા હતા જ્યારે એક બસને હળવદ પોલીસ મથકે લાવી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ રવિવારે બપોરના સમયે રાણેકપર ચોકડી પાસે આગળ જઇ રહેલી ઇકો કાર જીજે-01-એફટી-8794 એ સ્પીડ બ્રેકરે બ્રેક મારતા પાછળ આવતી માંડવી-મુંદ્રા-ભાવનગર રૂટની એસટી બસ નંબર જીજે-18-ઝેડ-7576 એ પાછળથી ટક્કર મારી હતી જેથી ઇકો કારમાં નુકસાન થયું હતું જેમાં ઇકો કારમાં સવાર એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. આ બનાવના પગલે હળવદ પોલીસ મથકે એસટી બસ લઇ જવામાં આવી હતી અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી જોકે આ ઘટનામાં મુસાફરો પણ અટવાયા હતા. બીજી ઘટનાની વાત કરવામાં આવે તો, કોયબાના પાટીયા પાસે સ્પીડ બ્રેકરે ઇનોવા કાર નંબર જીજે-15-સીએચ-5202 ના ચાલકે બ્રેક મારતા પાછળથી આવી રહેલી નખત્રાણા-અમદાવાદ-આણંદ રૂટની એસટી બસ નંબર જીજે-18-ઝેડ-5064 એ ઇનોવા કારને પાછળથી ટક્કર મારી હતી જેથી કરીને થોડીવાર માટે ત્યાં પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જોકે આ ઘટનામાં કોઈ ઇજાગ્રસ્ત થયું ન હતું જ્યારે આ બસમાં પણ મુસાફરો અટવાયા હતા જ્યારે ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
હળવદમાં એસટી બસે દિવાળી ટાણે બે જગ્યાએ અકસ્માત સર્જ્યો
