સંસદના વર્તમાન સત્રમાં કેન્દ્ર સરકારે આપી માહિતી
છેલ્લા ત્રણ વર્ષમાં નોંધાયેલા 852 કેસમાંથી માત્ર એકમાં જ સજા થઈ
ખાસ-ખબર સંવાદદાતા
સંસદના ચાલી રહેલા સત્રમાં કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે ગુજરાતમાં મહિલાઓ સામે સાઈબર ક્રાઈમની સંખ્યા વધી છે. રાજ્યમાં વર્ષ 2019માં મહિલાઓ સામે સાઈબર ક્રાઈમના 226 કેસ નોંધાયેલા. આ પછી, વર્ષ 2020માં તે વધીને 277 થયા અને વર્ષ 2021માં તેની સંખ્યા 349 પહોંચી છે. 2020ની સરખામણીએ રાજ્યમાં મહિલાઓ સામેના સાઈબર ગુનાઓમાં 25 ટકાનો વધારો થયો છે. ગુજરાત પોલીસે આ બાબતને અનુલક્ષીને વર્ષ 2019માં 269, વર્ષ 2020માં 245 અને વર્ષ 2021માં 322 લોકોની ધરપકડ કરેલી છે. આ ત્રણ વર્ષના ગાળામાં આ તમામ કેસમાંથી માત્ર એક જ કેસમાં આરોપીને સજા થઈ છે. સંસદમાં કેન્દ્રીય પ્રધાને જણાવેલુ કે પોલીસ અને કાયદો વ્યવસ્થાની બાબત એ રાજ્ય સરકારના હસ્તકનો વિષય છે. રાજ્ય મુખ્યત્વે સાઈબર ક્રાઈમ સહિતના ગુનાઓના નિવારણ, તપાસનુ કામ કરે છે. જેમાં મહિલાઓ સામેના સાઈબર ક્રાઈમની તપાસ અને કાર્યવાહી પોલીસ દ્વારા કરાય છે. કેન્દ્રીય પ્રધાને પણ જણાવેલુ કે મહિલા સામેના સાઈબર ક્રાઈમના કેસમાં રાજ્ય સરકારને મદદ માટે કેન્દ્રે તમામ પગલા લીધા છે. મહિલાઓ અને બાળકો સામેના સાઈબર ક્રાઈમના નિવારણ યોજના હેઠળ કેન્દ્ર સરકારે નાણાકીય સહાય આપેલી છે. રાજ્ય સરકારની આ મુદ્દે ક્ષમતા વધે તે માટે સાઈબર ક્ધસલ્ટન્ટની ભરતી કરાઈ છે. લેબોરેટરીમાં સાઈબર ફોરેન્સિક મુદ્દે તાલીમ પણ અપાઈ છે. દેશભરમાં મહિલાઓ સામે સાઈબર ક્રાઈમની સંખ્યામાં મોટા પાયે વધારો થયો છે. લોકસભામાં કેન્દ્ર સરકારે આપેલા આંકડા મુજબ વર્ષ 2019માં 8,415 કેસ હતા, જે વધીને વર્ષ 2020માં 10,405 થયા અને વર્ષ 2021માં તેની સંખ્યા 10,730 સુધી પહોંચી છે.