87 ટકા વિદ્યાર્થીઓએ બેઝિક ગણિતનો વિકલ્પ પસંદ કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. આ વર્ષે 28 માર્ચથી 12 એપ્રિલ સુધી બોર્ડની પરીક્ષા યોજાશે. આ વર્ષે ધોરણ-10માં પ્રથમ વખત ગણિતની 2 પરીક્ષા અલગ અલગ દિવસે લેવાશે, જેમાં 30 માર્ચે બેઝિક ગણિત અને 31 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવાશે. ત્યારે ધોરણ.10ના વિદ્યાર્થીઓમાં ગણિત વિષયને લઈ કેટલો ભય હતો તેની હકીકત બોર્ડની પરીક્ષાના ભરાયેલા ફોર્મના આંકડા પરથી સામે આવી છે. ધોરણ.10માં આખા રાજ્યમાંથી 9.27 લાખ જેટલા ફોર્મ ભરાયાં છે, જેમાથી 8.02 લાખ વિદ્યાર્થીઓએ બેઝિક એટલે કે સહેલા ગણિતનું પેપર આપવાનું પસંદ કર્યું છે. સ્ટાન્ડર્ડ ગણિત એટલે કે, અઘરો વિકલ્પ 1.25 લાખ વિદ્યાર્થીઓએ જ પસંદ કર્યો છે. આ વર્ષે અઘરા અને સહેલા ગણિતનો વિકલ્પ અપાયો.
- Advertisement -
ધોરણ.10ની બોર્ડની પરીક્ષામાં ગણિત વિષયમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થતાં હતા, જેની અસર બોર્ડના ઓવરઓલ પરિણામ પર પણ પડતી હતી. પરિણામ સારુ દેખાડવા માટે ગણિત વિષયમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને ગ્રેસિંગ આપવામાં આવતું હતુ. જેથી આ વર્ષે આગામી માર્ચમાં યોજાનારી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને અઘરા અને સહેલા ગણિતનો વિકલ્પ પસંદ કરવાની છૂટ આપવામાં આવી છે. વિદ્યાર્થીઓએ બોર્ડના જે ફોર્મ ભર્યા હતા તેમા જ વિકલ્પ પસંદ કરવાનો હતો.
વિકલ્પ પસંદ કરેલા વિદ્યાર્થીઓમાં 8.02 લાખે બેઝિક ગણિત પસંદ કર્યું છે અને 1.25 લાખે સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કર્યું છે. બેઝિક ગણિત વિકલ્પ પસંદ કરનાર વિદ્યાર્થીઓને સાયન્સના એ ગૃપમાં પ્રવેશ નહી મળી શકે. પરંતુ પરીક્ષા બાદ જો આ વિદ્યાર્થીઓમાથી કોઈએ સાયન્સના એ ગ્રૂપમાં પ્રવેશ લેવો હશે તો સ્ટાન્ડર્ડ ગણિત સાથે જુલાઈની પુરક પરીક્ષા પાસ કરવી પડશે. પરંતુ હાલની સ્થિતિ મુજબ સાયન્સનાં એ ગૃપમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ 1 લાખ જેટલા હોવાનું સ્પષ્ટ થાય છે.
માર્ચ 2020માં 3.10 લાખ વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થયાં હતાં. આ વર્ષે ધોરણ-10માં પ્રથમ વખત ગણિતની 2 પરીક્ષા અલગ અલગ દિવસે લેવાશે, જેમાં 30 માર્ચે બેઝિક ગણિત અને 31 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવાશે. ગત વર્ષે કોરોનાને કારણે તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જ્યારે માર્ચ 2020ની પરીક્ષામાં ધોરણ 10માં ગણિતમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થયાં હતાં. માર્ચ 2020માં સમગ્ર રાજ્યમાંથી 7.92 લાખ જેટલા વિદ્યાર્થીઓ ગણિતની પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાથી 4.81 લાખ વિદ્યાર્થીઓ જ પાસ થયાં હતાં. જ્યારે 3.10 લાખ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયાં હતાં.


