રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતા હૃદયરોગના હુમલાના કેસમાં સતત વધારો થયો છે. ગુજરાતમાં ડિસેમ્બરના 25 દિવસમાં 108 એમ્બ્યુલન્સને કાર્ડિયેક ઈમરજન્સીના 4463 કેસ મળ્યા છે.
ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ધીમેધીમે વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ છે. 8.1 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો અમદાવાદમાં પણ 12.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ડીસામાં 10.4, ગાંધીનગરમાં 11.4, વડોદરામાં 15, સુરતમાં 14.6, વલસાડમાં 14, ભુજમાં 10, ભાવનગરમાં 13.7, દ્વારકામાં 15.6, પોરબંદરમાં 11.6, રાજકોટમાં 10, સુરેન્દ્રનગરમાં 12.5 અને મહુવામાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
- Advertisement -
હૃદયરોગના હુમલાના કેસમાં સતત વધારો
રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતા હૃદયરોગના હુમલાના કેસમાં સતત વધારો થયો છે. હૃદયરોગના હુમલામાં ગુજરાત દેશમાં 3 નંબરે છે. ગુજરાતમાં ડિસેમ્બરના 25 દિવસમાં 108 એમ્બ્યુલન્સને કાર્ડિયેક ઈમરજન્સીના 4463 કેસ મળ્યા છે. કોરોના સમયે હૃદયરોગના હુમલા રોજના 101 કેસ હતા, જે હવે 178 કેસ થયા છે. એક રિપોર્ટ મુજબ, ગુજરાતમાં વર્ષ 2021માં હૃદયરોગના હુમલાથી 2948 દર્દીના મોત થયા હતા.
વહેલી સવારે કાર્ડિયોવાસ્ક્યુલરના જોવા મળે છે સૌથી વધારે
કાતિલ ઠંડીને પગલે હૃદય સંબધિત સમસ્યાના પ્રમાણમાં વધારો નોંધાયો છે. શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલામાં આશરે 20 ટકાનો વધારો નોંધાય છે. ખાસ કરીને વહેલી સવાર દરમિયાન કાર્ડિયોવાસ્ક્યુલરના કેસ વધારે જોવા મળતાં હોય છે. કાર્ડિયોલોજીસ્ટોના મતે શિયાળા દરમિયાન હૃદય સંબધિત સમસ્યા ધરાવનારાઓએ વિશેષ તકેદારી રાખવી હિતાવહ છે.
આ લોકોમાં હૃદયરોગના હુમલાનું જોખમ વધારે
કાર્ડિયોલોજિસ્ટોના જણાવ્યા અનુસાર, હૃદયની સમસ્યાઓ, મેદસ્વીપણું, જીવનશૈલી સાથે સંબંધિત રોગો ધરાવતા લોકો સહિત વસ્તીનો એક મોટો વર્ગ તથા બેઠાડું જીવનશૈલી જીવતા લોકોમાં શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલાનું જોખમ વધારે હોય છે. આ ઉપરાંત વયોવૃદ્ધ અને પથારીવશ લોકોમાં પણ જોખમ હોય છે.