ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે કરોડોનો ખર્ચ છતાં વરવું દ્રશ્ય, ગુજરાતમાં વર્ષ 2021-22માં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ છોડી શાળા.
ગુજરાતમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સ જેવા સફળ કાર્યક્રમો યોજાઈ રહ્યા હોવા છતાં વર્ષ 2021-22માં માધ્યમિક શાળામાંથી વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો સરેરાશ 17.9 ટકા નોંધાયો છે. એટલે કે ધોરણ 9 અને 10માં 17.9 ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી છે. જ્યારે ધોરણ 6થી 8માં 5 ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી છે. રાજ્યનો આ વખતે પ્રાથમિક એટલે કે ધોરણ 1થી 5માં ડ્રોપઆઉટ રેટ શૂન્ય છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા 2021-22ના લેટેસ્ટ ડ્રોપઆઉટ રેટમાં ગુજરાતની આ સ્થિતિ છે.
- Advertisement -
ડ્રોપઆઉટ રેટના આંકડા કરાયા જાહેર
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય હેઠળ શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા વિભાગે ડ્રોપઆઉટ રેટના આ આંકડા જાહેર કર્યા છે. જે મુજબ ઉચ્ચ પ્રાથમિકમાં ધોરણ 6થી 8માં છોકરાઓમાં 4.2 ટકા અને છોકરીઓમાં 5.8 ટકા ડ્રોપઆઉટ રેટ છે. જ્યારે ધોરણ 9થી 10માં છોકરામાં 19.4 ટકા અને છોકરીઓમાં 15.9 ટકા ડ્રોપઆઉટ રેટ છે. ગુજરાત માધ્યમિક સ્તરે સરેરાશ ડ્રોપ આઉટ રેશિયામાં દેશમાં છઠ્ઠા નંબરે છે.
ગુજરાતમાં શિક્ષણની સાથોસાથ ડ્રોપઆઉટની સ્થિતિ ખરાબ
છેલ્લા ઘણા સમયથી શિક્ષણ વિભાગનું બજેટ અન્ય વિભાગની સરખામણીમાં સૌથી વધુ હોય છે. આખા રાજ્યની શાળાઓ પર મોનિટરિંગ સેન્ટરમાં કરોડોના ખર્ચે ટેક્નોલોજી થકી નજર રખાતી હોવાના શિક્ષણ વિભાગના દાવાની વચ્ચે આ વાસ્તવિકતા છે. બીજુ સરકારી શાળાઓમાં શિક્ષણની સ્થિતિ સુધારવા નામે વિદ્યા સમીક્ષા પ્રોજેક્ટમાં રૂ.10 હજાર કરોડ ખર્ચાઈ રહ્યા છે. છતાં અન્ય મોટા રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં શિક્ષણની સાથોસાથ ડ્રોપઆઉટની સ્થિતિ ખરાબ છે.
IAS ધવલ પટેલે લખ્યો હતો પત્ર
આપને જણાવી દઈએ, તાજેતરમાં છોટાઉદેપુરમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી. ત્યારે ‘છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે’ તેવો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષણ જગતમાં હડકંપ મચી જવા પામ્યો હતો. IAS ધવલ પટેલે પ્રાથમિક શિક્ષણ સચિવને પત્ર લખી શાળા પ્રવેશોત્સવમાં જે શાળાઓની મુલાકાત લીધી તેની સ્થિતિ વર્ણવી હતી. મુલાકાત લીધેલી શાળાઓની હાલત દયનીય હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો.