ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
આજકાલના યુવાનોમાં ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવાની ચાહત ધીરે-ધીરે જોખમી સ્વરૂપ લઈ રહી છે. પોતાના થોડાક વ્યુમ માટે અનેક યુવાનો પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. પોરબંદરમાં આવા જોખમી સ્ટંટ કરનાર યુવાનોને પોલીસ દ્વારા કાયદાના પાઠ ભણાવવામાં આવ્યા છે. પોરબંદરમાં કિર્તીમંદિર વિસ્તારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા જોખમી સ્ટંટના વીડિયો સામે કાર્યવાહી કરતી પોલીસે સ્ટંટ કરનાર યુવાન અક્રમ સેઠાને ઝડપી લીધો હતો.
- Advertisement -
પોલીસ વિભાગ દ્વારા આ યુવાનોને કાયદાની સમજૂતી આપવામાં આવી અને આવા ખતરનાક કારસાને ટાળવા સુચના આપવામાં આવી. પોલીસ દ્વારા મળેલી માહિતી અનુસાર, સોશિયલ મીડિયા પર ફેમસ થવાના આક્રમણમાં અનેક યુવાનો પોતાનું જીવન જોખમમાં મૂકીને સ્ટંટ કરતા હોય છે. આવા કામોનો તાત્કાલિક અંત લાવવો જરૂરી છે, જેથી અન્ય યુવાનોને પણ આ કૃત્યો કરતા રોકી શકાય. કિર્તીમંદિર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, “અમે સોશિયલ મીડિયા પર નજર રાખી રહ્યા છીએ અને આવા જોખમી સ્ટંટ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરી રહ્યા છીએ. યુવાનોને એમના જીવ સાથે રમવાની જરૂર નથી. સોશ્યલ મીડીયામાં ફેમસ થવા માટે સકારાત્મક અને સુરક્ષિત રીતો અપનાવવી જોઈએ.” આ ઘટના પોરબંદરના યુવાનોમાં જાગૃતિ લાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. જો યુવાનો આ રીતે કાયદાનો ભંગ કરશે તો પોલીસ તેમના વિરૂદ્ધ કડક પગલાં લેશે.