ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.20
રાજુલા તાલુકાના ડુંગર ગામે સરપંચ દ્વારા નવી ગ્રામ પંચાયત કચેરી તેની મુળ જગ્યાના બદલે પોતાના ઘર પાસે બનાવતા હોય જેને લઇ ગ્રામજનોમા ભારે રોષ વ્યાપ્યો છે. ત્યારે ડુંગર ગ્રામ પંચાયતના સદસ્ય જીનતબેન ગાહા દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને પત્ર દ્વારા રજૂઆત કરવામા આવી છે. જેમા જણાવ્યુ હતુ કે, રાજુલા તાલુકાનુ સૌથી મોટુ ડુંગર ગામ છે. અને તેની વસ્તી આશરે પંદર હજાર કરતા વધારે છે. અને ગામમાં મેઈન બજાર આવેલ છે અહીં આજુબાજુનાં બાર જેટલા ગામડાના લોકો ખરીદીઓ કરવા માટે આવતા હોય છે. ડુંગર ગામમાં આઝાદી મળી ત્યારથી જ મેઈન બજારમાં બસ સ્ટેન્ડ પાસે ગ્રામ પંચાયત કચેરી આવેલી છે. જે કચેરી જર્જરીત થતા આશરે દસેક વર્ષ પહેલા તેને પાડી નાખી હતી. આજદિન સુધી ગ્રામ પંચાયત કચેરી ભાડાનાં મકાનમાં છે. ગ્રામ પંચાયત કચેરી નવી બનાવવા માટે ભાડાનાં મકાનમાં ફેરવવામાં આવી ત્યારથી જ તત્કાલીન સરપંચ મનિષભાઈ મહેતા દ્વારા ગ્રામ પંચાયત કચેરી તેની મુળ જગ્યાએ બનાવવા માટે મંજુર કરાવી હતી. ત્યારબાદ ગ્રામ પંચાયત કચેરીનું બાંધકામ પણ શરૂ કરી દેવામાં આવેલ. દોઢ લાખ રૂપિયાનો ખર્ચ કરી પ્લીન્થ સુધીનુ બાંધકામ પણ કરાવેલ છે. ત્યારબાદ ગ્રામ પંચાયતની ચુંટણી થઈ અને સત્તા પલ્ટો થતા ડુંગર ગામના સરપંચ તરીકે નિર્મળાબેન શુકલભાઈ બળદાણીયા ચૂંટાઈને આવ્યાં.
- Advertisement -
આ ગ્રામ પંચાયત કચેરીનું બાંધકામ આગળ વધારવાનું બંધ કરવામાં આવ્યુ કારણ કે, હાલના સરપંચનુ મકાન ગામની બહાર દુર હોય તેઓને ગામની વચ્ચે કચેરી થાય તે ગમતુ ન હોય જેથી આ ગ્રામ પંચાયત કચેરીનુ બાંધકામ અધુરૂ છોડી અને સરપંચ તેમના ઘર પાસે નવી જમીન ગ્રામ પંચાયત કચેરી બનાવવામા આવી રહી છે જે ગામથી દુર થાય છે.
ત્યાં માત્ર અને માત્ર પોતાના સ્વાર્થ ખાતર અને પોતાને અનુકુળ આવે તે માટે ગ્રામ પંચાયત બનાવતા ગ્રામજનોમા રોષ જોવા મળ્યો છે. હાલ નવી ગ્રામ પંચાયત કચેરીનું ખાતમુર્હત પણ કરાયું છે. ઉલ્લેખનિય એ છે કે, ડુંગર ગામના સરપંચ પોતાના સ્વાર્થ માટે મુળ જગ્યાના બદલે નવી ગ્રામ પંચાયત અન્ય જગ્યાએ ખસેડવામા આવતા ગ્રામજનોને દુર પડે તેવી સ્થિતિ સર્જાઈ. અને જુની ગ્રામ પંચાયત ગામના મધ્યમાં છે. અને ગ્રામ પંચાયત કચેરી મુળ જગ્યાએ જ હોવાથી ગ્રામજનોને કચેરીએ જવુ અનુકુળ પડે છે. ત્યારે ગામના સરપંચ અન્ય જગ્યાએ ખસેડાતા ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. ત્યારે આ બાબતે જીલ્લા વિકાસ અધિકારી દ્વારા યોગ્ય તપાસ કરી ગ્રામજનોના હિતમાં નિર્ણય લેવામા આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.