રસ્તા, પુલ અને શાળાઓના સમારકામ મુદ્દે ત્વરિત પગલાંના નિર્દેશ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, નાગરિકોની સુવિધા અને કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે રાજ્યના પ્રભારી સચિવો જિલ્લાઓમાં રૂબરૂ નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે. આ અન્વયે જૂનાગઢ જિલ્લાના પ્રભારી સચિવ દિલીપ રાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
- Advertisement -
રાણાએ જિલ્લા માટે મહત્વની વિવિધ કામગીરી જેમ કે, જર્જરીત ઈમારતો, શાળા-કોલેજોની મરામત, રોડ અને પુલોની સ્થિતિ અને સ્ટેબિલિટી જેવા મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરી. તેમણે જૂનાગઢ મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ, નેશનલ હાઈવે ઓથોરિટી સહિતના વિભાગોના અધિકારીઓ પાસેથી વિસ્તારપૂર્વકની માહિતી મેળવી. પ્રભારી સચિવે ખાસ કરીને એવું નિર્દેશ આપ્યો કે માર્ગોની કામગીરી દરમિયાન સુરક્ષા માટે યોગ્ય બેરીકેડિંગ, પુલ પર રેડિયમ, અને સૂચનાફલકો લાગ્યા હોવા જોઈએ. સાથે જ વિવિધ એજન્સીઓએ સંકલિત રીતે કામગીરી કરવી જરૂરી હોવાનું જણાવ્યું. જિલ્લામાં વરસાદી સીઝનમાં થતા નુકસાન સામે રક્ષણરૂપે અપનાવેલા પગલાં, બ્રિજોની હાલત, ટ્રાફિક ડાયવર્ઝન, અને પુલોની ભારક્ષમતા અંગેની માહિતીની પણ સમીક્ષા કરવામાં આવી.
બેઠક બાદ, રાણાએ જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની મુલાકાત લીધી હતી. રાજ્યના 136 સરકારી કોલેજોમાંથી 5 કોલેજો આદર્શ મહાવિદ્યાલય તરીકે પસંદ થઈ છે, જેમાંથી 2 કોલેજો બહાઉદ્દીન સાયન્સ અને આર્ટસ કોલેજ જૂનાગઢની છે. આ બંને કોલેજો માટે રૂ.153 લાખની ગ્રાન્ટ રાજ્ય સરકારે ફાળવી છે, જેનાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લાઇબ્રેરી, સ્માર્ટ ક્લાસ રૂમ અને મલ્ટીપરપઝ હોલનો વિકાસ કરાશે. આ બેઠકમાં કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, કમિશનર તેજસ પરમાર, એસપી સુબોધ ઓડેદરા સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.