ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, રાજ્યના મંત્રીઓ દ્વારા જિલ્લાકક્ષાએ વિકાસ કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ જ શ્રેણીમાં, રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લાની મુલાકાત લીધી હતી.
- Advertisement -
રાજકોટ કલેક્ટર કચેરી ખાતે, પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે વરિષ્ઠ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મહત્વના વિવિધ મુદ્દાઓ પર વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી.
ખાસ કરીને, રાજકોટ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના વિવિધ માર્ગોને ચોમાસાની ઋતુ દરમિયાન થયેલું ધોવાણ અને નુકસાન તેમજ આ માર્ગોના દુરસ્તીકરણ માટે હાથ ધરાયેલી કામગીરી સંદર્ભે પ્રભારી સચિવ અને જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી કે, વરસાદના પરિણામે રોડ-રસ્તાઓ પર પડેલા ખાડા-ગાબડા પૂરવા સહિતનું જરૂરી રીપેરીંગ ટૂંક સમયમાં પૂર્ણ થાય અને પ્રજાને અગવડ ન પડે તે સુનિશ્ચિત કરવામાં આવે. જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશે પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી બાબતે મંત્રીને માહિતગાર કર્યા હતા.



