ફેરા ફરવાના એક કલાક પહેલાં લોખંડના પાઇપ મારી દીવાલ સાથે માથું ભટકાડી હત્યા કરી
જેના નામની મહેંદી લગાવી એ ભાવિ ભરથારે જ મોત આપ્યું
- Advertisement -
હત્યા કરનાર આરોપી સાજન સાથે આજે મૃતક સોનીના લગ્ન થવાના હતા
પાનેતર-પૈસાના મામલે બોલાચાલી થતા હત્યાનો બનાવ બન્યો
ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
ભાવનગર શહેરમાં લગ્નના દિવસે જ યુવતીની કરપીણ હત્યા થઈ છે. શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક નજીક આજે(15 નવેમ્બર) સવારે એક યુવતીની લોખંડના પાઇપ મારી હત્યા થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. મરનાર યુવતીના આજે લગ્ન થવાના હતા અને તેના ભાવિ પતિએ જ તેની હત્યા કરી દીધી છે. સોનીબેન હિંમતભાઈ રાઠોડની હત્યા કરી આરોપી સાજન બારૈયા નાસી છૂટ્યો હતો. આ બનાવની જાણ થતા જ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ યુવતી તેના ભાવિ પતિ સાથે લિવ-ઇનમાં રહેતી હતી અને આજે તેના લગ્ન થવાના હતા. લગ્ન થાય તે પૂર્વે જ તેની હત્યા થઈ ગઈ છે.
આ બનાવ અંગે સિટી ડીવાયએસપી આર.આર.સિંધાલે જણાવ્યું હતું કે, ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રભુદાસ તળાવ શેરી નંબર 10 પાસે આજે સવારે એક હત્યાનો બનાવ બન્યો છે. જેમાં મૃતક સોનીબેન(ઉ.વ.22) ના હત્યા કરનાર આરોપી સાજન (ઉ.વ.26)સાથે આજે લગ્ન થવાના હતા. વહેલી સવારે આરોપી સાજન દુલ્હનના ઘરે આવ્યો હતો જ્યાં તેના સાથે બોલાચાલી થઈ હતી. જેમાં સાજન ઉશ્ર્કેરાઇ ગયો હતો અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં આરોપીએ લોખંડના પાઇપથી સોનીબેનને માથાના ભાગે અને શરીરે ઇજા કરી હતી, સાથે જ દીવાલ સાથે માથું ભટકાડી સોનીબેનનું મૃત્યુ નીપજાવ્યું હતું. આ બનાવ અંગે પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો છે.
વધુમાં જણાવ્યું હતું કે સાજન અને મૃતક સોનીબેન છેલ્લા ઘણા સમયથી સાથે રહેતા હતા. આજે 15 તારીખે તેમના લગ્ન થવાના હતા અને ગઈકાલે મૃતકની પીઠીની વિધિ કરવામાં આવી હતી. આજે વહેલી સવારે કોઈપણ કારણોસર પાનેતર બાબતે તથા પૈસાની મામલે બોલાચાલી થઈ હતી અને હત્યાનો બનાવ બન્યો હતો. પોલીસે હાલમાં ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ કરી છે. આરોપી સાજન બારૈયાએ ઉશ્ર્કેરાઈને ઘરની પાસે બાજુમાં પણ ઝઘડો કર્યો હતો. હાલ આરોપી સાજનને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે.



