ખાસ-ખબર સંવાદદાતા
બાંગ્લાદેશમાં ફેસબૂકની એક પોસ્ટ મુદ્દે કટ્ટરપંથીઓએ એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરી છે અને લઘુમતીઓના ઘરો તથા દુકાનોને આગને હવાલે કરી દીધી છે. કટ્ટરપંથીઓના હુમલાની આ ઘટના નરૈલ જિલ્લાના સાહાપરા ગામની છે. સ્થાનિક મીડિયા મુજબ શુક્રવારે સાંજે ભીડે હુમલો કર્યા પછી પોલીસે સ્થળ પર પહોંચીને હવામાં ગોળીબાર કરી સ્થિતિ સંભાળી હતી.
ઢાકા ટ્રિબ્યુનના રિપોર્ટ મુજબ ભીડે હિન્દુઓની અનેક દુકાનો, ઘરો અને મંદિરને નિશાન બનાવ્યા હતા. ગુસ્સે ભરાયેલા લોકોનો આરોપ છે કે એક યુવકે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને મુસ્લિમોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. સૂત્રોના જણાવ્યા મુજબ શુક્રવાર (જુમા)ની નમાઝ પછી એક સોશિયલ મીડિયા પોસ્ટ મુદ્દે હિંસા ભડકી હતી. ફેસબૂકમાં થયેલી પોસ્ટના વિરોધમાં પહેલા મુસ્લિમોએ દેખાવો કર્યા અને પછી લઘુમતીઓ પર હુમલો કર્યો હતો. રિપોર્ટ્સ મુજબ મુસ્લિમોનું ટોળું સાહાપરા મંદિરમાં ઘૂસી ગયું અને ત્યાંનું ફર્નીચર તોડી નાંખ્યું. આજુબાજુની દુકાનોમાં પણ તોડફોડ કરવામાં આવી.
- Advertisement -
પોલીસ અધિકારી હરન ચંદ્ર પોલે જણાવ્યું કે, હવામાં ગોળીબાર કરીને ભીડને વિખેરવામાં આવી હતી. નરેલના એસપી પ્રબીર કુમાર રોયે કહ્યું કે હવે સ્થિતિ કંટ્રોલમાં છે. આ ઘટનાની તપાસ કરાઈ રહી છે, હિંસા માટે જે પણ જવાબદાર હશે તેના પર કાર્યવાહી કરાશે.