આયુષ્માન ભારત યોજનામાં ગુજરાત દેશમાં પ્રથમ આવ્યું છે. આ યોજના હેઠળ 6,589 કરોડના ક્લેઈમ સેટલમેન્ટ થયા છે. ગુજરાતમાં 2018થી અત્યારસુધીમાં આ યોજના હેઠળ કુલ 1.67 કરોડ લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ કઢાવીને આરોગ્ય વીમા કવચનો લાભ મેળવ્યો છે.
દેશના લોકો માટે PM મોદીએ શરૂ કરેલી આયુષ્યમાન કાર્ડ યોજના ખૂબજ ઉપયોગી સાબિત થઈ છે. દાવા ચૂકવણીના સંદર્ભે 6589 કરોડની દાવા-નોંધણી સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે પહોંચ્યું છે. અત્યાર સુધીમાં એટલે કે 2018થી 2022 સુધીમાં કુલ 1 કરોડ 67 લાખ 38 હજાર 600 લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ કઢાવીને આરોગ્ય વીમા કવચનો લાભ મેળવ્યો છે.
- Advertisement -
કુલ 2827 જેટલી હોસ્પિટલમાં સેવાઓ નિ:શુલ્ક પણે ઉપલબ્ધ
રાજ્યનો કોઇપણ ગરીબ કે મધ્યમવર્ગીય પરિવાર આકસ્મિક બીમારીના કારણે ખર્ચ કરવામાં દેવાદાર ન બને તેની ચિંતા સરકારે કરી છે. ગુજરાતમાં 1974 સરકારી અને 853 ખાનગી આમ કુલ 2827 જેટલી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત સર્જરીથી સારવાર સુધીની સેવાઓ નિ:શુલ્ક પણે ઉપલબ્ધ છે.
વીમા કવચની રકમ વધારવા વિચારણા શરૂ
તાજેતરમાં જ ગુજરાત સરકારે જ પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના અને મા યોજનાનું સંકલન કરીને PMJAY-મા યોજના અમલી બનાવી છે. આગામી સમયમાં આયુષ્માન યોજના અંતર્ગત મળતું 5 લાખનું આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ વધારીને રૂ. 10 લાખ કરવા માટે રાજ્ય સરકારે વિચારણા શરૂ કરી છે.
34 લાખ જેટલા દાવા સાથે દેશભરમાં ગુજરાત ચોથા ક્રમાંકે
ગુજરાતમાં અંદાજીત 34 લાખ જેટલા ક્લેમ્સ આયુષ્માન કાર્ડ અંતર્ગત નોંધવામાં આવ્યા છે. આ સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં ચોથા ક્રમાંકે છે. જ્યારે દાવા ચૂકવણીની રકમની દ્રષ્ટિએ રૂ. 6589 કરોડની રકમના દાવા નોંધણી સાથે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે.
- Advertisement -
2018માં શરૂ કરાઈ હતી આ યોજના
આ યોજનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં શરૂ કરી હતી. આયુષ્માન ભારત યોજનાનો ઉદ્દેશ આર્થિક રીતે નબળા લોકોને સ્વાસ્થ્ય વીમો પ્રદાન કરવાનો છે. આ યોજના 10.74 કરોડથી વધુ પરિવારોને 5 લાખ રૂપિયાનું વીમા કવચ પ્રદાન કરે છે.