મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયું, રાજવી પરિવાર આજે હવનમાં જોડાશે
મંગળા આરતીમાં ભક્તિમય માહોલ છવાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અંબાજી
શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું મંદિર વિશ્ર્વભરમાં વિખ્યાત છે. ત્યારે દૂર દૂરથી દેશ અને વિદેશથી માઇભક્તો મા અંબાના ચરણે આવી શીશ નમાવી ધન્યતા અનુભવે છે અને માતાજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવે છે. હાલમાં નવરાત્રિનું મહાપર્વ ચાલી રહ્યું છે ત્યારે, માતાજીની આરાધના અને ભક્તિ કરવા માટે દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો માતાજીના ધામે આવી રહ્યા છે. નવરાત્રિને લઇ મા અંબાના મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. સવારની મંગળા આરતીમાં ભક્તિમય માહોલ છવાયો હતો. તો આજે આઠમને લઈ રાજવી પરિવાર પણ હવનમાં જોડાશે.
અંબાજી મંદિરમાં આજે આઠમને લઈ ભક્તોની ભારી ભીડ ઊમટી હતી. વહેલી સવારે અંબાજી મંદિરમાં ભક્તોની મોટી લાઈનો જોવા મળી હતી. આસો નવરાત્રિનું વિશેષ મહત્ત્વ હોઇ ભક્તો મોટી સંખ્યામાં માતાજીનાં દર્શન અને આરાધના કરવા અંબાજી મંદિર પહોંચી રહ્યા છે. આજે આસો સુદ આઠમને લઈ વહેલી સવારે 6:00 કલાકે માતાજીની મંગળા આરતી કરવામાં આવી હતી. અંબાજી મંદિરમાં સવારે બે મંગળા આરતી કરાઈ હતી. આસો સુદ બીજથી આઠમ સુધી બે મંગળા આરતી અંબાજી મંદિરમાં કરવામાં આવતી હોય છે. આજે આઠમની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. જય જય અંબેના નાદથી અંબાજી મંદિર ગુંજી ઊઠ્યું છે, તો ચારે બાજુ ભક્તિમય માહોલ છવાયો છે.
- Advertisement -
અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને ભટ્ટજી મહારાજ રાજવીનું સન્માન કરવા માટે બંગલે પહોંચ્યા હતા. જ્યાં દાંતા રાજવી પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે ટ્રસ્ટ દ્વારા મંદિરમાં હવન માટે ઢોલ શરણાઈ સાથે રાજવીને આમંત્રણ અપાયું હતું. શક્તિદ્વારથી રાજવી પરિવાર મંદિર ટ્રસ્ટ સાથે અંબાજી મંદિર પહોંચ્યા હતા. ત્યારે આજે અંબાજી ખાતે આઠમ નિમિત્તે રાજવી પરિવાર અંબાજી મંદિરના હવનમાં જોડાશે. તો અંબાજી મંદિરમાં આવેલી હવનશાળામાં પણ ભક્તો મોટી સંખ્યામાં હવન કરતાં જોવા મળી રહ્યા છે.