લોકસભાના ઉમેદવારની પસંદગી માટે કમર કસતી કોંગ્રેસ પાર્ટી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવા નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં રાજ્યની તમામ 26 બેઠકો પર સક્રિય ઉમેદવારોના નામ મેળવવામાં આવશે.
આ અંગે વિગતો આપતાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષ જિલ્લા-શહેરના આગેવાનો પાસેથી લોકસભાના ઉમેદવારની પસંદગી માટે નવતર પ્રયોગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સ્થાનિક સમિકરણો, પક્ષમાં યોગદાન સહિતની બાબતોને ધ્યાને લઈ બેલેટ પેપર પર ત્રણ સક્ષમ અને સક્રિય ઉમેદવારના નામ લખી અને બેલેટ બોકસમાં જમા કરાવવાની લોકતાંત્રિક પ્રક્રિયા નવીનત્તમ અભિગમ સાથે અમલમાં મુકવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસના નિષ્ઠાવાન કાર્યકરો પાસે જે-તે લોકસભા માટે આવેલ નામોને પ્રમુખ અને પ્રભારી સમક્ષ ખોલવામાં આવશે. જિલ્લામાંથી યોગ્ય નામ આવે તે માટે ગુપ્ત રીતે નામ માંગવામાં આવ્યા હતા. લોકસભાના ઉમેદવાર સાથે લોકસભાની ચૂંટણી માટે અભિપ્રાય સાથે ત્રણ રચનાત્મક અને સંગઠનાત્મક સૂચન માંગવામાં આવ્યા હતા. લોકોના આશીર્વાદથી લોકો માટે સંસદમાં ગુજરાતનો અવાજ ઉઠાવે એ માટે સારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પક્ષને નુકશાન ના થાય અને કાર્યકરોની વાત હાઈ કમાન્ડ સુધી પહોંચી શકે તેવો એક નવતર પ્રયત્ન છે. સંગઠનમાં બદલાવને લઈને ટૂંક સમયમાં જ સંગઠનમાં ફેરફાર થશે. લોકસભા ચૂંટણી પહેલા જિલ્લા પ્રમુખ અને સંગઠનમાં નિમણુંક કરવામાં આવશે. જે લોકો હાલમાં જવાબદારીથી મુક્ત થવા માંગતા હશે જિલ્લા-શહેરમાં ફેરફાર હાથ ધરાશે.



