નિમણૂક છેતરપિંડીથી કરવામાં આવી છે, એટલે તે છેતરપિંડી સમાન : સુપ્રીમ કોર્ટ
આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ભ્રષ્ટ હતી
- Advertisement -
પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ અંગે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો છે. મમતા સરકારને મોટો ઝટકો આપતા, સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળની શાળાઓમાં 25,753 શિક્ષકો અને અન્ય કર્મચારીઓની નિમણૂકને અમાન્ય ઠેરવતા કલકત્તા હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો. ભરતીમાં અનિયમિતતાને કારણે, 25,753 શિક્ષકો અને અન્ય કર્મચારીઓની નિમણૂકો રદ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, જે ઉમેદવારોની નિમણૂકોને છેતરપિંડી તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે, તેઓએ તેમનો પગાર પણ પરત કરવો પડશે.
ચીફ જસ્ટિસની બેન્ચે સુનાવણીમાં શું કહ્યું?
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરતાં સીબીઆઈને ભરતી કૌભાંડની તપાસ ચાલુ રાખવા આદેશ કર્યો હતો. કોર્ટે નોંધ્યું કે 23 લાખ જવાબવહીઓમાંથી કોની કોની ચકાસણી કરવામાં આવી હતી તેના વિશે કોઈ ચોક્કસ માહિતી નહોતી. આ સાથે કોર્ટે પરીક્ષા સંબંધિત જવાબવહીઓના પુનઃમૂલ્યાંકનનો પણ આદેશ આપ્યો હતો. બેન્ચે કહ્યું, “અમને હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરવાનું કોઈ કારણ દેખાતું નથી જેમાં કહેવામાં આવ્યું હતું કે કલંકિત ઉમેદવારોની સેવાઓ અને તેમની નિમણૂક રદ કરી દેવામાં આવે અને તેમને તેમનો પગાર પરત કરવાનું કહેવામાં આવે. તેમની નિમણૂક છેતરપિંડી દ્વારા કરવામાં આવી હતી, તેથી તે છેતરપિંડી સમાન છે.”
- Advertisement -
જોકે, જે ઉમેદવારોની ભરતી યોગ્ય રીતે થઈ હતી, તેમની પણ નિમણૂક રદ કરવામાં આવી છે, પરંતુ તેમને પગાર પરત નહીં કરવો પડે. આવા ઉમેદવારો જે પહેલાથી જ કોઈપણ અન્ય સરકારી વિભાગમાં કાર્યરત હતા તેઓ તેમના જૂના વિભાગમાં ફરીથી અરજી કરી શકે છે. અરજી પર 3 મહિનાની અંદર પ્રક્રિયા કરવામાં આવશે.
શું છે સમગ્ર મામલો?
હકીકતમાં, વર્ષ 2016 માં, પશ્ચિમ બંગાળ સ્કુલ સેવા આયોગ (WBSSC) એ સરકારી અને સરકારી સહાયિત શાળાઓમાં 25,000 થી વધુ શિક્ષકો અને બિન-શિક્ષણ કર્મચારીઓની ભરતી કરી હતી. પરંતુ પાછળથી, આ પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિઓ અને કૌભાંડનો ખુલાસો થયો. તપાસમાં જાણવા મળ્યું કે ઘણા ઉમેદવારોએ છેતરપિંડી અને લાંચ આપીને નોકરી મેળવી હતી.
5 થી 15 લાખ રૂપિયા સુધી વસૂલી નોકરી આપી?
કોર્ટે આ મામલે કડક વલણ અપનાવતા કહ્યું કે શિક્ષકોની નિમણૂક કરવાની પ્રક્રિયા યોગ્ય નહોતી. ઉલ્લેખનીય છે કે કોલકાતા હાઈકોર્ટે 2016ની સંપૂર્ણ જોબ પેનલ જ રદ કરી નાખી હતી. ખરેખર આરોપ હતો કે ભરતી માટે લોકો પાસેથી 5 થી 15 લાખ રૂપિયા સુધીની વસૂલી કરવામાં આવી હતી. કલકત્તા હાઈકોર્ટે પણ ભરતી પ્રક્રિયામાં અનેક ગરબડ પકડી પાડી હતી.
પહેલાં શું થયું હતું?
ગયા વર્ષે 7 મેના રોજ સુપ્રીમ કોર્ટે કલકત્તા હાઈકોર્ટના આદેશ પર વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો. પરંતુ હવે કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે સમગ્ર પસંદગી પ્રક્રિયા ખોટી હતી અને તેને ચાલુ રાખી શકાતી નથી. આ નિર્ણય પછી, પશ્ચિમ બંગાળ સરકારને આ મામલે મોટો ઝટકો લાગ્યો છે, અને હજારો ઉમેદવારોને હવે ફરીથી નોકરી માટે અરજી કરવી પડી શકે છે.
ત્રણ મહિનામાં નવી ભરતી
2016માં સ્ટેટ સ્કૂલ સર્વિસ કમિશનના માધ્યમથી થયેલી ભરતી માટે 23 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. 25 હજારથી વધુ ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટે હવે આગામી ત્રણ મહિનામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાના આદેશ આપ્યા છે.
સુપ્રીમ કોર્ટે ચુકાદામાં માનવીય આધાર પર એક દિવ્યાંગ કર્મચારીઓની નોકરી યથાવત્ રાખી છે. બાકીના દિવ્યાંગ કર્મચારીઓને નવી ભરતી પ્રક્રિયામાં થોડી રાહત આપવા પણ નિર્દેશ આપ્યા છે.