ખાસ-ખબર સંવાદદાતા
હાલના સમય હાર્ટમાં બ્લોકેજના કેસ ખૂબ જ વધી રહ્યા છે. બ્લોકેજ આવતાંની સાથે જ વ્યક્તિ પોતે, તેના સગા-વ્હાલાઓ વગેરે ચિંતામાં ગરકાવ થઇ જાય છે. અમુક લોકો માટે બ્લોકેજની એન્જીઓપ્લાસ્ટી કે બાયપાસ ખૂબ જ જોખમી થઇ શકે છે. રાજકોટના ડો. અભિષેક રાવલ જેઓ છેલ્લાં 12 વર્ષથી કાર્ડીઓલોજીસ્ટ તરીકે નામના ધરાવે છે, તેઓ છેલ્લાં 4 વર્ષથી આ ક્ષેત્રે ખૂબ જ ઊંડો અભ્યાસ કરી રહ્યા હતા. લાંબા સમયના અંતે તેઓએ સફળતાપૂર્વક આ પ્રકારના પેશન્ટની સરળ અને ઓછી જોખમી સારવારનું સંશોધન કરવામાં આવેલ છે. તાજેતરમાં દુબઇમાં યોજાયેલ આંતરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ડો. રાવલની આ સિદ્ધિને વિશ્ર્વ ફલક ઉપર અત્યંત ગૌરવપૂર્ણ રીતે બિરદાવવામાં આવેલ છે. અત્રેની દુબઈ ખાતે યોજાયેલ કાર્ડિયોલોજીની આંતરરાષ્ટ્રીય કોન્ફરેંસ- ગલ્ફ પીસીઆર-2023માં ડો. રાવલે તેમનું આ સંશોધન વિશ્ર્વ-ફલક પર મૂક્યું. આ માટે તેમને યુરોપીયન એસોસિએશન ઓફ પી.સી.આઈ. (એન્જિયોપ્લાસ્ટી), યુરોપીયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી અને પી.સી.આર. (પેરિસ કોર્સ ઓફ રિવેસ્ક્યુલરાઈઝેશન) દ્વારા ‘ધી બેસ્ટ સાઈંટિફિક રિસર્ચ એવોર્ડ’ એનાયત કરવામાં આવેલ છે. આ એવોર્ડ સાથે ડો. અભિષેક રાવલએ રાજકોટ અને ભારતના તબીબી ક્ષેત્રનું નામ આતંરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. અત્યારે જ્યારે યુવાનો અને વયસ્કોમાં બ્લોકેજના કેસની માત્રા ખૂબ જ વધી ગયેલ છે એવા સમયે આવી ટ્રીટમેન્ટ ઘણા લોકો માટે અત્યંત આશીર્વાદરૂપ સાબિત થશે અને આખા વિશ્ર્વને આ રાજકોટમાં થયેલ સંશોધનનો લાભ મળશે.