ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લાના આઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બાયો કેમેસ્ટ્રી એનીલાઈઝર મશીન મુકવા એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જેમાં ફૈઝ સર્જીકલ નામની એજન્સી દ્વારા મશીન માટે રૂ. 21.20 લાખ જાહેર કરવામાં આવતા આ કંપનીને કોન્ટ્રાકટ મળ્યો હતો જે બાદ આ એજન્સી દ્વારા 8 મશીન આપવામાં આવ્યા હતા. આ મશીન શરૂઆતથી જ શંકાસ્પદ લાગતું હોવાથી તે અંગે તપાસ કરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા અધિકારીને જાણ કરવામાં આવતા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં વાંકાનેર તાલુકાના મેસરિયા, કોઠી અને ટંકારા તાલુકાના સાવડી એમ ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં હલકી ગુણવત્તાના મશીન આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
મેડીકલ ઈન્સ્ટ્રુમેન્ટ બાયોકેમેસ્ટ્રી એનીલાઈઝર મશીનના બીલમાં જે નંબર રજુ કરવામાં આવ્યા હતા તે અને હાલ મશીનમાં હતા તે બંને નંબર અલગ અલગ જોવા મળ્યા હતા જેથી આ મશીન આપવામાં ગેરરીતી થઈ હોવાનું સામે આવ્યું હતું જે બાદ આરોગ્ય અધિકારીએ તાત્કાલિક અસરથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને પત્ર લખી સાધનો પરત કરવામાં આવે અને તેની પહોંચ મેળવી લઈને મશીનનો હેરફેર ખર્ચ પણ એજન્સીને ભોગવવાનો રહેશે તેવો આદેશ કર્યો હતો.
- Advertisement -
આરોગ્ય સમિતિના ચેરમેન હીરાલાલ ટમારીયાએ જણાવ્યું હતું કે, અમને મશીન બાબતે ગેરીરીતિ થયાની માહિતી મળતા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે જેમાં આ મશીનની તપાસ માટે નિષ્ણાંતોને બોલાવવામાં આવ્યા હતા જેથી હવે આ મશીન અંગેનો રિપોર્ટ આવે એટલે તરત ખ્યાલ આવી જશે કે આ મશીનમાં કેટલી ગેરીરીતિ કરવામાં આવી છે. હાલ આ મશીનનું પેમેન્ટ પણ અટકાવવામાં આવ્યું છે તેમજ સાધનો એજન્સીને પરત નહીં આપવામાં આવે પરંતુ બ્લેક લીસ્ટ કરવા અંગે ઉચ્ચ કક્ષાએ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવો પણ દાવો કર્યો હતો.