2025ના સમગ્ર વર્ષ દરમિયાન સોના-ચાંદીના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી હતી. 2025માં સોના-ચાંદીના ભાવોએ અનેક વાર ઓલ ટાઇમ હાઇની સપાટી વટાવી નવા ને નવા રેકોર્ડ સર્જ્યા. જેના લીધે ગત વર્ષે પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવમાં રૂપિયા 57,000 જ્યારે પ્રતિ કિ.ગ્રા. ચાંદીના ભાવમાં રૂપિયા 1,45,000 નો વધારો જોવા મળ્યો હતો.
મુંબઈ ઝવેરી બજારમાં 2025ના વર્ષના છેલ્લા દિવસે સોના-ચાંદીના ભાવમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્વ બજારમાં ભાવ તૂટતા ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. અમેરિકામાં કિંમતી ધાતુઓના વાયદાઓમાં સટ્ટારૂપી તત્ત્વોને કાબુમાં રાખવા તેજીવાળાઓ પર માર્જિનમાં વધુ વૃદ્ધિ કરવામાં આવ્યાના નિર્દેશો મળ્યા હતા.
- Advertisement -
આના પગલે વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવ ઝડપી તૂટ્યા હતા. ડોલર ઈન્ડેક્સ વધતાં ફંડોની પણ વેચવાલી જોવા મળી હતી. દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ 10 ગ્રામના રૂ.3000 તૂટી 995ના ભાવ રૂ.1,36,200 તથા 999ના રૂ.1,35,500 બોલાઈ ગયા હતા.
વૈશ્વિક બજારમાં ઉતાર-ચઢાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્વ બજારમાં સોનું ઔંસ દીઠ 4395 ડોલરથી ઘટીને 4294 ડોલરના સ્તરે પહોંચ્યું હતું, જે બાદમાં થોડું રિકવર થઈ 4313 થી 4314 ડોલરની સપાટીએ રહ્યું હતું. તેવી જ રીતે, વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંસ દીઠ 75.70 ડોલરથી ગગડીને 70.52 ડોલર સુધી ગયા બાદ 71.86થી 71.87 ડોલર પર ટ્રેડ થઈ રહ્યા હતા.
- Advertisement -
મુંબઈ બુલીયન બજાર(GST વગરના ભાવ)
સોનું (995): રૂ. 1,34,060થી ઘટીને રૂ. 1,32,662 રહ્યું.
સોનું (999): રૂ. 1,34,599થી ઘટીને રૂ. 1,33,195 રહ્યું.
ચાંદી: રૂ. 2,32,329ના સ્તરેથી ઘટીને રૂ. 2,29,433 થયા બાદ અંતે રૂ. 2,30,420 પર બંધ રહી હતી. મુંબઈ બજારમાં સોના-ચાંદીના GST સાથેના અંતિમ ભાવ ઉપરોક્ત કિંમતો કરતા 3 ટકા ઊંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના 2207થી 2208 વાળા નીચામાં 1929 થઈ 2016થી 2017 ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ 1641થી 1642 વાળા નીચામાં 1489 થઈ 1583થી 1584 ડોલર રહ્યા હતા. કોપરના વૈશ્વિક ભાવ આજે 195 ટકા તૂટ્યા હતા. ક્રૂડતેલ પણ નરમ હતું. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં 61.07 થઈ 61.59 ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં 57.69 થઈ 58.23 ડોલર રહ્યા હતા. મુંબઈ બજારમાં 2025ના વર્ષમાં સોનાના ભાવમાં રૂ.57000નો તથા ચાંદીના ભાવમાં વાર્ષિક રૂ.1,45,000નો જંગી ઉછાળો નોંધાયો હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.




