અમિત શાહે કહ્યું,‘વિપક્ષી એકતા માત્ર એક ફોટો-સેશન’
ખાસ-ખબર સંવાદદાતા
બિહારની રાજધાની પટનામાં વિપક્ષી એકતાની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહે કટાક્ષ કર્યો છે. શુક્રવારે જમ્મુમાં એક રેલીમાં શાહે કહ્યું- આજે પટનામાં ફોટો-સેશન ચાલી રહ્યું છે. ભલે ગમે એટલી પાર્ટીઓ મિટિંગમાં આવે, તેઓ ક્યારેય સાથે નહીં હોય. વિપક્ષના નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનડીએને પડકાર આપવા માગે છે.
- Advertisement -
હું તેમને કહેવા માગું છું કે પીએમ મોદી 2024ની લોકસભા ચૂંટણીમાં 300થી વધુ સીટો સાથે સરકાર બનાવશે. આજે પટનામાં નીતીશ કુમારના નેતૃત્વમાં વિપક્ષી એકતા માટે 15થી વધુ પાર્ટીઓની બેઠક ચાલી રહી છે. આ પક્ષો 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સંયુક્ત વિપક્ષી મોરચો બનાવવાના ઉદ્દેશ સાથે સીએમ હાઉસમાં બેઠક કરી રહ્યા છે.તેમણે છેલ્લે કહ્યું હતું, જમ્મુ-કાશ્મીરના યુવાનોએ પથ્થરોની જગ્યાએ લેપટોપ અને પુસ્તકો લીધાં છે.
અમિત શાહે કહ્યું, આજે ડો. શ્યામા પ્રસાદ મુખર્જીનો શહીદ દિવસ છે. આખો દેશ જાણે છે કે તેમના કારણે જ બંગાળ આજે ભારતની સાથે છે. મુખર્જીના સત્યાગ્રહ આંદોલનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે કલમ 370 વિરુદ્ધ સત્યાગ્રહ આંદોલન કરતી વખતે તેઓ 1953માં જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા. અહીં તેમની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હતી. આપણે બધા જાણીએ છીએ કે તેમની હત્યા કરવામાં આવી હતી, પરંતુ હવે કલમ-370 નાબૂદ થઈ ગઈ છે. તેમનું સ્વપ્ન સાકાર થયું છે. તેમના આત્માને શાંતિ મળે.