પીટીઆઈએ X પર વીડિયો શેર કરીને કહ્યું, શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે પોતાના લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરી રહેલા નિર્દોષ નાગરિકો પર સરકાર ભારે અને સીધો ગોળીબાર કરી રહી છે. ઘણા લોકોના મોતના અહેવાલ છે અને મૃત્યુઆંક વધી રહ્યો છે. સેંકડો લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. પરિસ્થિતિ દરેક ક્ષણે વધુ ખરાબ થઈ રહી છે.
ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ X પર એક પોસ્ટમાં કહ્યું કે 3 નિર્દોષ પ્રદર્શકારીઓના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 47 ઘાયલ થયા છે. સાથે જ એમ પણ કહ્યું કે, શાંતિપૂર્ણ વિરોધ કરવાના તેમના લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરી રહેલા નિર્દોષ નાગરિકો પર સરકાર ભારે અને સીધો ગોળીબાર કરી રહી છે. ઘણા લોકોના મોતના અહેવાલ છે અને મૃત્યુઆંક વધી રહ્યો છે. સેંકડો લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે, હોસ્પિટલોમાં કટોકટી તબીબી પુરવઠો ઓછો પડી રહ્યો છે, અને પરિસ્થિતિ દરેક ક્ષણે વધુ ખરાબ થઈ રહી છે.
- Advertisement -
PTIએ X પર 2 વીડિયો પણ શેર કર્યા છે. આમાં રસ્તાઓ પર ધુમાડો દેખાઈ રહ્યો છે, આ સાથે લોકો દોડતા અને ગોળીઓના અવાજથી ચીસો પાડતા જોઈ શકાય છે. ઇમરાનની પાર્ટીએ કહ્યું કે સુરક્ષા દળોએ ઇસ્લામાબાદના ડી-ચોકની આસપાસ કન્ટેનર, કાર અને અન્ય જાહેર સંપત્તિને સળગાવવાનું શરૂ કરી દીધું છે, તેઓ સંપૂર્ણપણે પોતાનો કંટ્રોલ ગુમાવી ચુક્યા છે, સ્નાઈપર્સ, ગ્રેનેડનો આશરો લઈ રહ્યા છે અને નાગરિકોને કચડી રહ્યા છે.
પીટીઆઈએ અન્ય એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે એક નિર્દોષ નિઃશસ્ત્ર પ્રદર્શનકારી કન્ટેનર પર પ્રાર્થના કરી રહ્યો હતો. ત્યારે સશસ્ત્ર અર્ધલશ્કરી દળોએ તેને ખૂબ ઊંચાઈએથી નિર્દયતાથી ધક્કો મારી દીધો. આ ભયાનક કૃત્ય આ શાસન અને તેના સુરક્ષા દળોની ક્રૂરતા અને ફાસીવાદને પ્રતિબિંબિત કરે છે, જેઓ તેમના રસ્તામાં આવનાર કોઈપણ નાગરિકને કચડી રહ્યા છે.
પીટીઆઈએ X પર એક વીડિયો શેર કરીને કહ્યું, આ ઇસ્લામાબાદમાં સેના અને તેની કઠપૂતળી સરકારના હાથે નિર્દોષ નાગરિકોના નિર્મમ અને ક્રૂર નરસંહારનો પુરાવો છે, સેંકડો લોકોના મરવાની અને હજારોના ગંભીર રીતે ઘાયલ થયા હોવાની આશંકા સાથે, ઇસ્લામાબાદ વોર ઝોનમાં ફેરવાઈ ગયું છે. સુરક્ષા દળો નિઃશસ્ત્ર નાગરિકો સામે બેલગામ ક્રૂર બળનો ઉપયોગ કરી રહ્યા છે. પાકિસ્તાનના ઇતિહાસનો આ સૌથી કાળો સમય છે. પીટીઆઈએ એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું કે એક ડઝન નિર્દોષ પ્રદર્શનકારીઓના મૃત્યુની પુષ્ટિ થઈ છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે. ઘણા લોકોની હાલત ગંભીર, રાજધાનીની હોસ્પિટલોમાં સતત મોતના સમાચાર આવી રહ્યા છે, જેના કારણે મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે.
- Advertisement -
છેલ્લા બોલ સુધી લડો, પીછેહઠ ન કરો: ઇમરાને કરી સમર્થકોને અપીલ
બીજી તરફ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને ઇસ્લામાબાદમાં પોતાના સમર્થકોને છેલ્લા બોલ સુધી લડવા અને પીછેહઠ ન કરવા કહ્યું. ઇમરાને રાવલપિંડીની અદિયાલા જેલમાંથી એક મેસેજમાં કહ્યું કે હું પાકિસ્તાનના લોકો અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના કાર્યકરોને સલામ કરું છું જેઓ તેમના અધિકારો માટે ઉભા છે, શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે અને સાચી આઝાદી અને ન્યાયની માંગ માટે આપણા દેશ પર થોપવામાં આવેલા માફિયાનો સાહસપૂર્વક સામનો કરી રહ્યા છે. ઓગસ્ટ 2023 થી ઘણા કેસોમાં જેલમાં રહેલા ઇમરાન ખાને કહ્યું કે મારી ટીમને મારો સંદેશ સ્પષ્ટ છે કે છેલ્લા બોલ સુધી લડો. અમે ત્યાં સુધી પીછેહઠ નહીં કરીએ જ્યાં સુધી અમારી માંગણીઓ નહીં સંતોષાય. તેમણે કહ્યું કે જેઓ હજુ સુધી વિરોધ માર્ચમાં જોડાયા નથી તેઓ ઇસ્લામાબાદના ડી-ચોક પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે પહોંચે એ ત્યાં સુધી ન જાય જય સુધી તેમની માંગો પૂર્ણ ન થઈ જાય.
‘તમારે જે કરવું હોય તે કરો, હું મારા સ્ટેન્ડ પરથી પાછો હટીશ નહીં’
ઇમરાને એ પણ ખુલાસો કર્યો હતો કે તેને સૈન્ય અદાલતમાં ટ્રાયલ કરવાની ધમકી આપવામાં આવી હતી. ઇમરાને કહ્યું કે સૈન્ય અદાલતોમાં કેસ ચલાવવાની ધમકી આપનારા માટે મારો સ્પષ્ટ સંદેશ છે – ‘તમારે જે કરવું હોય તે કરો, હું મારા સ્ટેન્ડથી પાછળ નહીં હટું.’
રેન્જર્સે કર્યો કાર્યકર્તાઓ પર ગોળીબાર
સંઘીય આંતરિક મંત્રી મોહસિન નકવીના આદેશ પર, રેન્જર્સ અને પોલીસે પીટીઆઈ કાર્યકરો પર ગોળીબાર કર્યો, જેના કારણે શાંતિપૂર્ણ નાગરિકો માર્યા ગયા અને ઘાયલ થયા. ઇમરાન ખાને કહ્યું કે નકવીને આના માટે જવાબદાર ઠેરવવામાં આવશે, ક્રૂરતા હોવા છતાં અમારા લોકો માત્ર શાંતિપૂર્ણ જ ન રહ્યા જ પરંતુ તેમના પર હુમલો કરનારા ઘાયલ પોલીસ અને રેન્જર્સના જવાનોને બચાવવામાં પણ મદદ કરી.
પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા
પ્રદર્શન સ્થળ પરથી ઉભરી રહેલી તસવીરોમાં ઇમરાન ખાનના સમર્થકો ટીયર ગેસનો સામનો કરતા અને ડી-ચોક તરફ જતા રસ્તાઓ પર રાખવામાં આવેલા શિપિંગ કન્ટેનર પર ચડતા જોઈ શકાય છે. ડી-ચોક રાષ્ટ્રપતિ ભવન, વડા પ્રધાન કાર્યાલય, સંસદ અને સુપ્રીમ કોર્ટ સહિત ઘણી મહત્ત્વપૂર્ણ સરકારી ઇમારતોની નજીક સ્થિત છે.
ઇમરાન સમર્થકો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ
પીટીઆઈના ટોચના નેતાઓએ ઇમરાન ખાન જેલમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી શહેરમાં જ રહેવાની જાહેરાત કરી. દરમિયાન, મંગળવારે વિરોધ પ્રદર્શન દરમિયાન એક પોલીસ અધિકારીની હત્યામાં તેમની કથિત ભૂમિકા બદલ ઇમરાન ખાન અને અન્ય પીટીઆઈ નેતાઓ સામે આતંકવાદ વિરોધી અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.