ચૂંટણી પંચે ગુજરાત અને હિમાચલ ચૂંટણીના એક્ઝિટ અને ઓપિનિયન પોલ પર પ્રતિબંધ મૂક્યો છે.
ભારતીય ચૂંટણી પંચે શનિવારથી હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે એક્ઝિટ કે ઓપિનિયન પોલ બંને પર પ્રતિબંધ મૂકી દીધો છે. 68 સભ્યોની હિમાચલ પ્રદેશ વિધાનસભા માટે શનિવારે સવારે 8 વાગ્યે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન શરૂ થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં 1 અને 8 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન થશે. મતદાન પેનલે ગુરુવારે એક જાહેરનામું બહાર પાડ્યું હતું.
- Advertisement -
પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં એક્ઝિટ પોલ બહાર નહીં પાડી શકાય
ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં કહેવાયું કે કોઈપણ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં એક્ઝિટ પોલના અંદાજોના પ્રકાશન પર 12 નવેમ્બરની સવારે 8 વાગ્યાથી 5 ડિસેમ્બરની સાંજે 5 વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે. હિમાચલ પ્રદેશમાં મતદાનને ધ્યાનમાં રાખીને ઓપિનિયન પોલ પર પણ 48 કલાકનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
હિમાચલમાં એક્ઝિટ પોલ પર 48 કલાકનો પ્રતિબંધ
જાહેરનામા મુજબ જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 126(1)(બી) હેઠળ હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં કોઇ પણ ચૂંટણી કેસમાં ઓપિનિયન પોલ કે અન્ય સર્વેના પરિણામો પર પ્રતિબંધ રહેશે તેમ ચૂંટણી વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું. હિમાચલ પ્રદેશમાં મતદાન પૂર્ણ થવા માટે નિર્ધારિત 48 કલાક દરમિયાન ઓપિનિયન પોલ અથવા અન્ય કોઈ સર્વેના પરિણામોના પ્રસારણ અથવા પ્રકાશન પર પણ પ્રતિબંધ રહેશે.