વાવાઝોડા અને ચોમાસાની ગંભીર અસર
નોટિસ બાદ પણ ન ખાલી કરવાના કારણે તાત્કાલિક પગલાં
સલામતી માટે માનવીય અભિગમથી જર્જરિત બિલ્ડિંગ ખાલી કરાવ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.25
પોરબંદર શહેરના મધ્યમાં આવેલ હીરાપન્ના કોમ્પ્લેક્સની બિલ્ડીંગની હાલત અત્યંત જર્જરિત બની ગઇ છે. વાવાઝોડા અને ચોમાસાના કારણે સખત નુકસાન થયેલી આ બિલ્ડીંગમાં રહેલા લોકોના જીવનને જોખમ થતા, કલેક્ટર કે.ડી.લાખાણીએ આ મુદ્દે તાત્કાલિક પગલાં લેતા, 12 દુકાનદાર અને 10 રહેવાસીઓને બિલ્ડીંગ ખાલી કરવાની મંજૂરી આપી છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફ્લેટ અને દુકાનદારોને સતત નોટિસો આપ્યા પછી પણ ખાલી ન કરતા, કલેક્ટરે હીરાપન્ના કોમ્પ્લેક્સ ખાતે સ્થળ પર જઈને જગ્યા નિહાળી અને લોકોને તેમની સલામતી માટે બિલ્ડીંગ ખાલી કરવાની સમજાવટ કરી. આ અંગે, ચોમાસાના સમયગાળા દરમિયાન, બિલ્ડીંગ ધરાશાયી થવાની શક્યતા વધારે હોવાથી, ફટાફટ પગલાં લેવાની જરૂરિયાત જણાઈ હતી. એ માટે, નગરપાલિકા તંત્ર દ્વારા નળ કનેક્શન કાપવાની અને દુકાનોમાં સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કલેક્ટરે સ્થળ પર જઈને, ફ્લેટ ધારકો અને દુકાનદારોને પ્રત્યક્ષ વાતચીત કરીને, તેમને બીજા સ્થાન પર મકાન શોધવા માટે એક સપ્તાહનો સમય આપ્યો છે. આ સાથે, નગરપાલિકાના તંત્ર સાથે સહયોગ કરીને, બિલ્ડીંગ ખાલી કરવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. જિલ્લા કલેક્ટર કે.ડી.લાખાણીની સાથે, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને નગરપાલિકા પ્રમુખ ચેતના તિવારી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ પણ જોડાયા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા, પોરબંદરમાં બીજી અન્ય જર્જરિત બિલ્ડીંગ્સની પણ સમીક્ષા કરીને, તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની તાકીદ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર કે.ડી.લાખાણીએ આ પ્રકારે, નોટિસો અને રૂબરૂ મુલાકાત સાથે માનવીય અભિગમ દાખવી, નાગરિકોની સલામતી માટે મહત્વપૂર્ણ પગલાં લીધા છે.