પ્રશ્ર્ન 1: મેં એક ઈન્ડસ્ટ્રીઝ બનાવવા માટે ખેતીની જગ્યા લીધી છે પરંતુ જગ્યાનો આકાર ચોરસ કે લંબચોરસ નથી. ડ્રોઈંગ દ્વારા સમજાવો કે અહીં કેવી રીતે બાંધકામ કરવું?
જવાબ: હજુ ગઈકાલે જ સાઈટ વિઝિટ દરમિયાન આવી વાંકીચૂકી ખેતીની જમીનનો અભ્યાસ કર્યો. વાસ્તુમાં શ્રદ્ધા ધરાવતાં ઈન્સ્ટ્રીયલ મિત્રોને મારે ખાસ કહેવાનું કે સ્વાભાવિકપણે ખેતીની જમીન ચોરસ કે લંબચોરસ ન જ હોય, પરંતુ તેની ખરીદી કરતાં પહેલાં એ વાતનો અભ્યાસ કરવો કે તેને લંબચોરસ બનાવવામાં વધારે જગ્યાનું નુકસાન ન જાય. કેમકે આપણે બધા જ વાંકાચૂકા કે ખાંચાખૂંચીવાળા ભાગને ફેકટરીની બાઉન્ડ્રીથી અલગ કરવાના છે, જેનો કોઈ કોમર્શિયલ ઉપયોગ થઈ શકે નહીં. અહીં પ્રશ્ર્ન સાથે ડ્રોઈંગમાં સમજણ આપેલ છે કે ખેતીની જગ્યાને વાસ્તુ અનુરૂપ કેવી રીતે કરીશું. અહીં આપના ડ્રોઈંગ મુજબ ફક્ત પૂર્વ દિશાની દિવાલ જ સીધી છે. આપની જગ્યાનો ઈશાન ખૂણો વધેલ છે જે સારી બાબત છે પરંતુ દક્ષિણ દિશાની દિવાલ અને પશ્ર્ચિમ દિશાની દિવાલમાં ખાંચાખૂંચી કાઢી તેને સીધી કરવી પડે. આપની પશ્ર્ચિમ અને દક્ષિણની દિશાની દિવાલને સીધી કરવા ફેન્સીંગની વોલ (લોખંડના તાર)થી નહીં બનાવતાં તેની જગ્યાએ પાકી ચણતરની દિવાલ બનાવવી. આપ જ્યારે દિવાલ બનાવો ત્યારે ખાસ ધ્યાન રાખજો કે પશ્ર્ચિમ અને દક્ષિણ દિશાની દિવાલની જાડાઈ અને ઊંચાઈ પૂર્વ અને ઉત્તર દિશાની દિવાલની ઊંચાઈ અને જાડાઈ કરતાં વધારે રાખવી. અંદરની બાજુ નવી દિવાલ બનાવ્યા બાદ બહાર જે વધેલ જગ્યા છે કે જે વાંકાચૂંકી આકારની છે ત્યાં વૃક્ષો વાવી શકાય છે, પરંતુ તેની એન્ટ્રી અંદરથી ન આપવી. પશ્ર્ચિમ-દક્ષિણ કે ઉત્તર દિશાની બાઉન્ડ્રી વોલમાં ક્યાંય ગેપ કે પંકચર ના કરતા, આવવા-જવા માટે ફક્ત પૂર્વ દિશાના રોડ અને એન્ટ્રીનો ઉપયોગ કરવો.
(1) નવા ડ્રોઈંગમાં દક્ષિણ દિશા અને પશ્ર્ચિમ દિશાની દિવાલ રાઈટ એંગલ કરવામાં આવેલ છે.
(2) ઈશાન ખૂણો વધેલો છે જે યથાવત રાખવામાં આવેલ છે.
(3) પૂર્વ દિશામાંથી યોગ્ય પદમાંથી ફેકટરીને એન્ટ્રી આપવી.
(4) ખેતીની જમીન બિનખેતી કરતી વખતે પ્લોટના આકારની સાથે વજનનું અને ઊંચાઈનું પણ ખૂબ જ મહત્ત્વ છે, તેથી પ્લાન્ટમાં વજન ક્યાં રાખવું તથા શેડની ઊંચાઈ નક્કી કરતા પહેલાં વાસ્તુ નિષ્ણાંત સાથે ચર્ચા કર્યા બાદ જ ગોઠવણી કરવી.
પ્રશ્ર્ન 2: અમારે નવા ઘરમાં રહેવા જવાનું છે. પંચાંગમાં બહુ થોડા દિવસો વાસ્તુપૂજન માટે સારા બતાવ્યા છે તો મુહૂર્ત જોઈને રહેવા જવું જરૂરી છે કે કોઈપણ દિવસે રહેવા જઈ શકીએ?
જવાબ: આ પ્રશ્ર્ન પણ આજકાલ વારંવાર પૂછાતો હોય છે. એક વાત વિસ્તારથી સમજીએ તો ભારતીય પંચાંગમાં તિથિ, નક્ષત્ર, વાર, મહિનો, યોગ, કરણ અને ક્યા પ્રકારનું કાર્ય કરવાનું છે? તેના આધારે જે તે કાર્ય માટે શુભ કે અશુભ દિવસોની માહિતી આપવામાં આવે છે. જેવી રીતે હવામાન ખાતુ વરસાદ, ગરમી કે ધુમ્મસની આગાહી આપણને પહેલાં કરે છે અને તેના આધારે આપણે આપણી દિનચર્યા ગોઠવતા હોઈએ છીએ. આ વાત કંઈ આવી જ છે. ધુમ્મસના સમયમાં આપણે વહેલી સવારે વાહન ચલાવવાનું ટાળીએ છીએ કેમકે અકસ્માતની શક્યતાઓ વધી જાય છે. પરંતુ સ્વચ્છ વાતાવરણમાં આપણને વાહન-વ્યવહારમાં ઘણી સરળતા રહે છે. મુહૂર્તો ખગોળીય પરિસ્થિતિને અનુરૂપ કઈ પ્રવૃત્તિઓ કરવા માટે અનુકુળ સમય છે તેની માહિતી આપતી પદ્ધતિ છે તેથી વાસ્તુ મુહૂર્ત મુજબ રહેવા જશું તો પ્રકૃતિના આશીર્વાદનો લાભ મેળવી શકીશું.
- Advertisement -
પ્રશ્ર્ન 3: અમારે ઘરમાં અણધાર્યા અને ખોટા ખર્ચાઓ ખૂબ જ થતાં રહે છે, શું કારણ હોઈ શકે?
જવાબ: આપના પ્રશ્ર્નો પરથી કહી શકાય કે આપને આવકની કોઈ તકલીફ નથી, પરંતુ કારણ વગરના કંટ્રોલ ન થઈ શકે તેવા ખર્ચાઓથી આપ ચિંતિત છો. બચત માટે આપનો અગ્નિ ખૂણો દક્ષિણ દિશા તરફ બરાબર હોવો જોઈએ. અગ્નિ ખૂણો જો વધેલ હશે અથવા તો અગ્નિ ખૂણામાં રહેલ કુવો, મોટી ગ્રાઉન્ડ ઉપરની વોટર ટેન્ક, અણધાર્યા ખર્ચાઓ આપશે. નૈઋત્ય ખૂણામાં રહેલ ખુલ્લી જગ્યા પણ સતત ખર્ચાઓ કરાવે છે. તો આપ ઘરની અંદર આ સ્થિતિ સુધારો તો આપના ખોટા ખર્ચાઓ બંધ થઈ જશે.