રાજ્યની જનતાને જન્માષ્ટમીની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગામતળમાં 4.5 FSI સુધીના બિનઅધિકૃત બાંધકામો હવે નિયમિત થઈ શકશે
- Advertisement -
ઇમ્પેકટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા નિર્ણય: ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા મહત્વનો નિર્ણય: બિન અધિકૃત રહેણાંક માટે 2000 ચો.મીટર સુધીના ખૂટતા પાર્કિંગ માટે અને બિન અધિકૃત બિન રહેણાંક માટે 1000 ચો.મીટર સુધીના ખૂટતા પાર્કિંગ માટે ફી લઇને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઇ
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.24
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ યોજનાની મુદ્દત સરકાર સતત લંબાવતી આવી છે અને વધુમાં વધુ અનઅધિકૃત બાંધકામો નિયમબધ્ધ થાય તેવો ઇરાદો છે. તેના ભાગરૂપે ગામતળ વિસ્તારમાં હવે 4.5 એફએસઆઇ સુધીના ગેરકાયદે બાંધકામો નિયમબધ્ધ કરવાની મહત્વની જાહેરાત આજે કરવામાં આવી છે. આ ઉપરાંત પાર્કિંગના અનઅધિકૃત બાંધકામો રેગ્યુલર કરવા માટે અર્ધુ પાર્કિંગ કે 500 મીટરની હદમાં જોગવાઇ ફરજિયાત હતી. જે નિયમના કારણે હજારો મિલ્કત ઇમ્પેકટ ફીનો લાભ મેળવી ન શકતી હોવાની સતત રજુઆતો સરકારને થતી હતી. મુખ્યમંત્રીએ આકરા નિયમને પણ હળવો કરી હવે રહેણાંકમાં 2 હજાર ચો.મી. અને બિનરહેણાંકમાં હજાર ચો.મી.ના ખુટતા પાર્કિંગની ફી લઇને નિયમબધ્ધ કરવા તહેવાર પર જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ 2022ને વ્યાપક પ્રતિસાદ મળે અને વધુમાં વધુ લોકો એ અધિનિયમનો લાભ મેળવી શકે તેવા જનહિતકારી અભિગમથી મુખ્યમંત્રીએ આ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ એવો નિર્ણય કર્યો છે કે, ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના 4.5 એફ.એસ.આઇ. સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે.
- Advertisement -
બિન અધિકૃત રહેણાંક માટે 2000 ચો. મીટર સુધીના ખુટતાં પાર્કિંગ માટે અને બિન અધિકૃત બિન રહેણાંક માટે 1000 ચો. મીટર સુધીના ખુટતા પાર્કિંગ માટે ફી લઇને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે. અગાઉ ખુટતા પાર્કીંગના 50% જે તે પ્લોટમાં અથવા તો 500 મીટરની હદમાં પાર્કીંગની જોગવાઇ કરવી ફરજીયાત હતી, અને બાકીના 50 % ખુટતા પાર્કીંગ માટે ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ 2022ના જાહેરનામાંથી પાર્કીંગ નિયમિત કરવા માટેની નક્કી કરાયેલી ફી વસુલ લઇને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની પ્રવર્તમાન જોગવાઇ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇમ્પેક્ટ ફી અંગેના કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયો નિયમાનુસારની કાર્યવાહીને અનુસરીને ટુંક સમયમાં અમલી કરવામાં આવશે.