કપાસ અને મગફળી સહિતના પાકોમાં મોટું નુકસાન: આગોતરું આયોજન કરી ઝડપથી વળતર ચૂકવવાની માંગ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.2
સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર થઈ રહેલા પાકોમાં મોટા પાયે નુકસાન થયું છે. આ નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ સાથે નેશનલ હ્યુમન રાઇટ્સ જોઈન્ટ સેક્રેટરી એસોસિયેશનના કાંતિલાલ બાવરવાએ તંત્ર સમક્ષ રજૂઆત કરી છે.
સમયસરના વરસાદથી પાકની સ્થિતિ સારી જણાતી હતી, પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. કમોસમી વરસાદના કારણે કપાસમાં ફૂલ અને ઝીંડવા ખરવાથી નુકસાન થયું છે. વળી, ખેતરમાં પાથરા કરેલી મગફળી પલળી ગઈ છે તો ઊભી મગફળીને પણ મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત અન્ય પાકોને પણ વ્યાપક નુકસાન થવા પામ્યું છે. હવામાન વિભાગ દ્વારા હજુ વધુ વરસાદની આગાહી આપવામાં આવી હોવાથી નુકસાન વધવાની શક્યતા છે.
કાંતિલાલ બાવરવાએ તંત્રને વિનંતી કરી છે કે, જેવો વરસાદ રોકાય કે તરત જ નુકસાનીનો સર્વે શરૂ થઈ શકે તે માટેનું આગોતરું આયોજન કરવામાં આવે. સર્વે પૂરો થયા બાદ તાત્કાલિક ધોરણે ખેડૂતોને નુકસાનનું વળતર ચૂકવવા યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરાઈ છે. તેમણે ચેતવણી ઉચ્ચારતા જણાવ્યું છે કે, જો આ બાબતે વહેલાસર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો નાછૂટકે ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. જેથી ખેડૂતોના હિતમાં વહેલાસર યોગ્ય પગલાં લેવા અંતમાં અનુરોધ કરાયો છે.