કંપનીઓએ નદી-નાળા, ગૌચર અને ખાનગી જમીનોમાં પણ વીજપોલ ઊભા કર્યાં
‘થાંભલાઓ હટાવો, ખેડૂત બચાવો’નાં સૂત્ર સાથે આક્રમક અભિયાન: પ્રાંત અધિકારીને આવેદન પાઠવાયું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના જુદા-જુદા ગામોમાં તંત્ર દ્વારા આડેધડ વીજપોલ ઊભા કરાતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે. આ વીજપોલના વિરોધમાં બાબરાના સમઢિયાળા અને વાંડળીયા ગામના ખેડૂતોએ લાઠી ખાતેની પ્રાંત કચેરીમાં જઇને રજૂઆત કરી હતી. ગૌચર, નદીઓમાં અને માલિકીના મકાનમાં પણ દાદાગીરી કરીને વીજપોલ ઊભા કરાયા હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા.
સમઢિયાળા ગામે સ્કૂલ અને આંગણવાડીની બાજુમાં ગેરકાયદે પવનચક્કીના વીજપોલ ઊભા કરાયા હોવાથી ગંભીર અકસ્માત સર્જાવાનો ભય વ્યાપી રહ્યો છે. આથી તાત્કાલિક આ વીજપોલ હટાવી અન્ય જગ્યાએ સ્થળાંતર કરાવવા ગ્રામજનોએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગામડાઓમાં આડેધડ વીજપોલ ઉભા કરી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. સમઢીયાળા અને વાંડળીયા ગામના ખેડૂતો લાઠી પ્રાંત કચેરી ખાતે પહોંચી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી વીજપોલ હટાવી લેવાની માંગ કરવામાં આવી હતી. આ અંગે પ્રાંત અધિકારીએ ખેડૂતોને સ્થળ તપાસ કરવાની બાંહેધરી આપી હતી.
બાબરા તાલુકાના ગામડાઓમાં પવનચક્કીની વિન્ડફાર્મ કંપની દ્વારા આડેધડ વીજપોલ ઉભા કરી દેવામાં આવ્યા હોવાને કારણે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. આ કારણોસર બાબરાના સમઢીયાળા અને વાંડળીયા ગામના ખેડૂતો અને સરપંચ લાઠી પ્રાંત અધિકારીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ખેડૂતોએ થાંભલા હટાવો અને ખેડૂત બચાવોનું સૂત્ર આપી તાત્કાલિક ધોરણે થાંભલાઓ હટાવી લેવાની માંગ કરવામાં આવી હતી.
- Advertisement -
અહીંના ખેડૂતો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે, કંપની દ્વારા ગૌચર, નદીઓ અને માલિકીના મકાનોમાં પણ વીજપોલ ઉભા કરી દીધા છે તેમજ સમઢીયાળા ગામે સ્કૂલ અને આંગણવાડીની બાજુમાં બિનકાયદેસર રીતે પવનચક્કીઓ ઉભી કરી નાખી છે. આ ઉપરાંત વાંડળીયા-ચાવંડ રોડ પર પણ દાદાગીરીથી થાંભલાઓ નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. રોડ પણ મંજૂર થઈ ગયો છે ત્યારે મંજૂરી વગર થાંભલાઓ ઉભા થઈ જવાને કારણે રોડ પણ નામંજૂર થઈ શકે છે તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા.