સ્થાનિક તંત્રના નેજા હેઠળ ચાલતું ગેરકાયદે માટીનું ખનન
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એકાદ મહિનાથી ફરી ગેરકાયદેસર ખનનનો ધંધો ધમધોકાર ચાલતો છે. જિલ્લામાં ખનિજ માફિયાઓને કોઈ રોકવા વાળું નથી હોવાના લીધે જ અન્ય જિલ્લાઓના ખનિજ માફીયાઓ અહી બિન્દાસ્ત રીતે ગેરકાયદેસર ખનિજ ચોરી ચલાવી રહ્યા છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માટે બદનામ થાનગઢ વિસ્તારમાં કોલસાની ખનિજ ચોરી તો યથાવત છે જ પરંતુ હવે મોરથળા ગામના સીમ વિસ્તારમાં સફેદ માટીનું પણ ખનન શરૂ કરી દેવાયું છે. મોરથળા ગામના જરખડું તરીકે ઓળખાતા સીમમાં કેટલાક ઈસમો દ્વારા સરકારી જમીન પર ખોદાણ કરી ખનીજનો ભંડાર ચોરી કરી રહ્યા છે. સફેદ માટીને ખનન કરી વાહનો થકી ટાઇલ્સ બનાવવાના કારખાના સુધી પહોચાડે છે.
- Advertisement -
દરરોજ હજારો ટન સફેદ માટીની ચોરી કરી ખનિજ માફીયાઓ લાખો રૂપિયા કમાય છે અને ગુજરાત સરકારની તિજોરી અને પર્યાવરણને નુકશાન પણ પહોચાડે છે. દિન દહાડે ચાલતો આ સફેદ માટીના ખણનનો ખેલ સ્થાનિક તંત્ર અને જિલ્લાના ખનિજ માફિયાઓથી અજાણ નથી છતાં ક્યાં કારણોસર તંત્રને ખનિજ ચોરી સામે કાર્યવાહી કરવામાં શરમ આવે છે ? તેનો સવાલ તો તંત્રના અધિકારીઓ પાસે જ હશે. તેવામાં સફેદ માટીનું ખનન કરી ટ્રક મારફતે હેરફેર કરવાનો ધંધો ચલાવવા પાછળ તંત્રની પણ ક્યાંક મીઠી નજર હોય તેવું સાબિત થાય છે પરંતુ આ ગેરકાયદેસર સફેદ માટીના ખનનથી આજુબાજુ રહેતા સ્થાનિકોના રહેણાક મકાન અને પ્રકૃતિનો મોટું નુકશાન થતું હોવાથી તાત્કાલિક આ ખનિજ ચોરી બંધ કરવા અહીંના રહીશોની લોકમાંગ ઉઠવા પામી છે.