ખાસ-ખબર ન્યૂઝ ઉપલેટા, તા.19
ઉપલેટા તાલુકાના ગધેથડ-નાગવદર ગામમાંથી છેલ્લા ઘણા સમયથી વેણુ નદીમાંથી સાદી રેતી ખનિજના ગેરકાયદે ખનન-વહનની ફરિયાદ આવતી હતી ત્યારે આ અંગે લાખોના મુદ્દામાલ સાથે સાદી રેતી ભાયવદર પોલીસ મથકમાં રાખવામાં આવી છે અને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.
- Advertisement -
મળતી માહિતી મુજબ વેણુ નદીમાંથી સાદી રેતી ખનિજના ગેરકાયદે ચોરીની ફરિયાદ કરવામાં આવી હતી જેના પગલે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષી અને રાજકોટ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી અંકિત ભટ્ટના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા ખાણ ખનિજ સ્ટાફના આશીષ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, પૃથ્વીસિંહ ચૌહાણ, રવિરાજસિંહ ગોહિલ અને બળદેવસિંહ ડોડીયા દ્વારા તા. 17-6ના રોજ તપાસ હાથ ધરવામાં આવી હતી. જે પૈકી તપાસ ટીમ દ્વારા ગધેથડ-નાગવદર ગામમાંથી પસાર થતી વેણુ નદીમાંથી સાદી રેતી ખનિજના ગેરકાયદે ખનન-વહનની ફરિયાદ અંતર્ગત એક હીટાચી મશીન, એક રેતી ભરેલી ટ્રક તેમજ બે ટ્રેક્ટર આમ કુલ મળી રૂા. 75,00,000નો મુદ્દામાલ સાદી રેતી ખનિજના ગેરકાયદે ખનન-વહન બાબતે સીઝ કરી ભાયાવદર પોલીસ મથકમાં રાખવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.