ખાસ ખબરની વિશેષ રજૂઆત (ભાગ: 4)
વર્ષોથી ચાલતું પથ્થર ખનન છતાં તંત્ર દ્વારા સમ ખાવા એક દરોડો નહીં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા પથ્થર જે પ્રકારે દેશ અને દુનિયામાં જાણીતો થયો છે તે બાદ અહીંના પથ્થરની માંગ પણ દરેક મંદિરો અને ઇમારતોના બાંધકામમાં ખૂબ જ વધવા લાગી હતી. ધ્રાંગધ્રા પથ્થરને ફરી એક વખત ઊંચાઈએ લઈ જવા માટે જે પ્રકારે સ્થાનિક નેતા અને પથ્થર પ્રેમીઓએ અથાગ પ્રયત્નો કર્યા તેના ફળ રૂપે તેઓને પથ્થર કાઢવા માટેની સરકારે મંજૂરી આપી હતી. ધ્રાંગધ્રા પંથકમાં માત્ર ત્રણ લોકોને જ આ પથ્થર કાઢવા માટેની લીઝ સરકારી તંત્રે આપી છે છતાં ઠેર ઠેર અનેક પથ્થરની ખાણો ધમધમી છે જેમાં રાજપર, સત્તાપર, ઈશદ્રા, વાવડી, ઘનશ્યામગઢ, કંકાવટી, રાજગઢ સહિતના ગામોની સીમ વિસ્તારમાં પથ્થરની ગેરકાયદેસર ખાણો આજેય ધમધમતી નજરે પડે છે આ ખાણો સરકારી જમીન અને ગૌચર જમીનો પર ધમધમી રહી છે. ખાણોમાંથી વિસ્ફોટક દ્વારા બ્લાસ્ટ કરી પથ્થરને કાઢવામાં આવે છે કેટલાક વિસ્તારોમાં તો મજૂરો દ્વારા પથ્થરને જમીનમાંથી કાઢી તેને ક્રેનની મદદથી મોટા તોતિંગ પથ્થરને ટ્રકમાં ભરી ધ્રાંગધ્રાની આજુબાજુ ચાલતા કટીંગ મશીનો સુધી લઈ જવાય છે જોકે આ પથ્થરની સાથે અહીં ચાલતા પથ્થર કટીંગના મશીનને પણ ગેરકાયદે જ કહી શકાય છે કારણ કે સરકારી ધારાધોરણ મુજબ મોટાભાગના કટીંગ મશીનો ચાલતા નહીં હોવા છતાં પણ સ્થાનિક મામલતદાર અને તંત્ર અહીં ફરકતા પણ નથી. આ તરફ પથ્થરની દરેક ખાણોમાંથી દરરોજ હજારો ટન પથ્થર ચોરી કરી લેવાય છે. જે ગેરકાયદેસર પથ્થરને ખોટી રોયલ્ટી મારફતે એની જિલ્લા અને રાજ્યોમાં લઈ જવામાં આવે છે જ્યારે આ પથ્થર ગેરકાયદેસર હોવા છતાં હાઇવે પર ચેકપોસ્ટમાં હાજર કર્મચારીઓ માસિક હપ્તાના વહીવટની આડમાં આખો બંધ રાખી પથ્થરનું અમૂલ્ય ખનિજ ચોરી થતા આંખ આડા કાન કરે છે