પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમ દ્વારા ખનન પર દરોડા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
ધ્રાંગધ્રા પંથકમાં રેતી અને પથ્થરનું ખનન ખુલ્લેઆમ થઈ રહ્યું છે ત્યારે પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા સોલડી – બાઈસાબગઢ રોડ પરથી ગેરકાયદેસર પથ્થરનું ખનન ઝડપી પાડ્યું હતું. ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, ઈનચાર્જ મામલતદાર એચ.આર.પઢિયાર સહિતની ટીમને સોલડી બાઈસાબગઢ રોડ પર પથ્થરનું ખનન થતું હોવાની જાણ થતા જ દરોડો કરતા ખનિજ માફિયાઓના નાસભાગ મચી ગઈ હતી.
આ તરફ પથ્થરની ખાણ પરથી એક ક્રેન કિંમત 45 લાખ રૂપિયાની જપ્ત કરી આગળની કામગીરી અને જમીન માપણી માટે સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગને સોંપી કાર્યવાહી હાથ ધરી હતી. આ તરફ પ્રાંત અધિકારી દ્વારા અગાઉ પણ ગેરકાયદેસર ખનન અને ખનિજ હેરફેર કરતા વાહનોને જપ્ત કરવાના આવ્યા હતા ત્યારે વધુ એક વખત પથ્થરના ગેરકાયદેસર ખનન પર દરોડો કરતા ખનિજ માફિયાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.



