કોલસો અને વાહનો સહિત રૂ. 8 લાખનો મુદ્દામાલ જપ્ત, પાંચ લોકોનું રેસ્ક્યુ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.31
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લોમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ ખનન થતું હોવાની સતત ફરિયાદોને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે. આ સંદર્ભે થાન મામલતદાર અને તેમની ટીમ દ્વારા થાનગઢ તાલુકાના તરણેતર ગામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તરણેતર ગામે આવેલી ખાનગી માલિકીની જમીન સર્વે નં. 163 ખાતે ગેરકાયદેસર રીતે ચાલતા કાર્બોસેલ (કોલસા) ખનન પર રેઈડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી અંદાજે 05 ટન કોલસો, 01 ટ્રેક્ટર-ટ્રોલી અને 01 ચરખી સેટ (2 નંગ) સહિત કુલ અંદાજે રૂ. 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ખાણના કૂવામાં ફસાયેલા 05 લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ગેરકાયદેસર ખનન મામલે જમીન માલિક જેમાભાઈ રઘુભાઈ ખમાણી સામે નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જપ્ત કરાયેલ તમામ મુદ્દામાલને થાન મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે તથા ગેરકાયદેસર ખનનમાં સંડોવાયેલા તમામ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે.



