સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 14મો દિક્ષાંત સમારોહ સંપન્ન : 756 જેટલા છાત્રોને પદવી એનાયત કરાઇ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના 14માં દિક્ષાંત સમારોહમાં 756 જેટલાં પદવી પ્રાપ્ત કરી રહેલાં વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે, ભારત દેશ અને ભારતીય સંસ્કૃતિને જાણવા હોય તો સંસ્કૃત ભાષા જાણવી પડશે. રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ભારત દેશ ધર્મ પરાયણ દેશ છે. ભારતીય સંસ્કૃતિ અધ્યાત્મ સાથે જોડાયેલી છે ત્યારે, ઋષિ પરંપરાનું પાલન કરી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં વેદ-પુરાણો અને શાસ્ત્રોનો અભ્યાસ કરનારા યુવાનો પ્રતિ સમાજ અપાર શ્રદ્ધા ભાવ ધરાવે છે. વેદ સંસ્કૃતિની આ ભવ્ય જ્ઞાન વિરાસતથી રાષ્ટ્ર અને સમાજને લાભાન્વિત કરવા રાજ્યપાલશ્રીએ પદવીધારકોને અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારથી યુવાપેઢી સજ્જ બને અને આ જ્ઞાન પ્રકાશથી સમસ્ત સમાજ આલોકિત થાય તેવા ઉદ્દેશથી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. ભારતીય જ્ઞાન પરંપરાની ઉપાસના દ્વારા વિદ્યાર્થીઓ પોતાની જ્ઞાનસંપદાથી સમાજને સમૃદ્ધ કરે અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પુરુષાર્થ કરે તેવી શીખ પણ રાજ્યપાલએ વિદ્યાર્થીઓને આપી હતી.
- Advertisement -
રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, વેદોને ઈશ્વર દ્વારા પ્રદત્ત જ્ઞાન માનવામાં આવે છે. ધરતી પર જ્ઞાનનો આવિર્ભાવ વેદથી થયો અને ભારત દેશ સમસ્ત વિશ્વ માટે જ્ઞાનદાતા બન્યો હતો. સંસ્કૃત ભાષામાં રચાયેલા વૈદિક સાહિત્યમાં ભારતીય જીવન દર્શન સંસ્કૃતિ અને પરંપરાના દર્શન થાય છે ત્યારે તેને જાણવા સંસ્કૃત ભાષા જન સામાન્યની ભાષા બનવી જોઈએ આ વાતને ધ્યાનમાં રાખીને જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં સંસ્કૃત ભાષાને મહત્વનું સ્થાન આપ્યું છે. ગુજરાતની ધરતી ઉપર જન્મ લઈને સ્વામી દયાનંદ સરસ્વતીએ વેદોનો વૈજ્ઞાનિક અભિગમ સાથે તર્કસંગત અર્થ આપીને વૈદિક સંસ્કૃતિને જન-જન સુધી પહોંચાડવા જીવન પર્યંત પુરુષાર્થ કર્યો હતો.
તેમના પ્રેરણારૂપ જીવન દર્શનને અનુસરીને વિદ્યાર્થીઓ સંસ્કૃત અને સંસ્કૃતિ પ્રત્યે સન્માનની ભાવના સુદ્રઢ બને તે માટે પુરુષાર્થ કરે તેવો અનુરોધ પણ રાજ્યપાલએ કર્યો હતો અને પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓના સફળ જીવનની કામના કરી હતી.


