એક માણસ આસમાનની દિશામાં જોતાં જોતાં જાહેર માર્ગ પર જઇ રહ્યો હતો. સામેથી પૂરપાટ વેગે એક કાર આવી રહી હતી. પેલો વટેમાર્ગુ રસ્તાની વચ્ચે ડાફોળિયાં મારતો ચાલતો હતો. ગાડીની અડફેટમાં આવતા સહેજમાં બચી ગયો. ગાડીના ડ્રાઇવરે ગાડી ઊભી રાખી અને પૂછ્યું, ‘ભાઇ, તારે ક્યાં જવું છે?’
પેલાએ જવાબ આપ્યો, ‘થલતેજ ચાર રસ્તા.’
કારચાલકે ટોળમાં કહ્યું, ‘તારે જ્યાં જવું છે એ દિશામાં જોઇને ચાલ; નહીંતર જે દિશામાં જુએ છે ત્યાં પહોંચી જઇશ.’ (કારચાલકનું કહેવાનું તાત્પર્ય એ હતું કે જો રસ્તા પર નજર રાખવાના બદલે ઉપરની દિશામાં જોતાં જોતાં ચાલીશ તો ઉપર પહોંચી જઇશ.)
અધ્યાત્મના માર્ગે જવું હોય તો નજર અધ્યાત્મની દિશામાં જ રાખવી જોઇએ. જો નજર ભટકતી રહેશે તો સાધકનું મન પણ ભટકી જશે.
એક વાર ભગવાન શ્રીરામચંદ્ર, સીતામાતા અને લક્ષ્મણજી વાતો કરતા બેઠાં હતાં. સીતાજીએ લક્ષ્મણજીને પૂછ્યું, અમારા બંનેમાંથી કોના પગ વધારે સુંદર લાગે છે? મારા કે તમારા વડીલબંધુના?’
લક્ષ્મણજતિ માટે ધર્મસંકટ ઊભું થયું. જો વડીલ ભ્રાતાના પગનાં વખાણ કરે તો માતા સમાન ભાભી નારાજ થઇ જાય; જો સીતામૈયાના પગના વખાણ કરે તો પ્રભુને માઠું લાગે. લક્ષ્મણજીએ ચતુરાઇભર્યો જવાબ આપ્યો, ‘આ ચરણથી આ ચરણ વધુ સુંદર લાગે છે.’ અહીં લક્ષ્મણજીએ શ્લેષ કર્યો હતો. ભાઇ અને ભાભીને એક અર્થમાં એવું કહી દીધું હતું કે પતિનાં ચરણથી પત્નીનાં ચરણ શોભે છે અને પત્નીનાં ચરણથી પતિનાં.
બીજા અર્થમાં એમનું કહેવું આવું થતું હતું, ‘આચરણથી આ ચરણ વધું સુંદર છે.’ અર્થાત્ મનુષ્યનાં આચરણથી તેનાં ચરણ શોભે છે.
અહીં લક્ષ્મણજી પણ એ જ વાત કહે છે કે મનુષ્યના પગ કરતાં તેની ચાલ-ચલગત વધુ મહત્વની છે. કવિ રાજેશ વ્યાસ ‘મિસ્કિન’ લખે છે:
ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે,
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે.
મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે,
હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે.
સુંદરતા કે સ્વચ્છતા હાથ અને પગની જોવાની ન હોય, એ હાથ અને પગ દ્વારા થતાં કર્મોની સુંદરતા જોવી જોઇએ.