વિશેષ:સૌરભ શાહ
‘મહારાજ’ ફિલ્મ પછી બીજી અનેક સશકત ગુજરાતી કૃતિઓ ફિલ્મ સર્જકોના ધ્યાનમાં આવશે
- Advertisement -
હિંદી સિનેમાના એક સદીના ઇતિહાસમાં ગુજરાતી નવલકથા પરથી બનેલી ફિલ્મો પાંચ-સાતથી વધારે નથી
‘મહારાજ’નું હિંદી સિનેમાના કોમ્પીટિટિવ ક્ષેત્રમાં પ્રવેશવું અને લાખો-કરોડો પ્રેક્ષકો સુધી પહોંચવું, ભારતના જ નહીં-દુનિયાભરમાં પથરાયેલા હિંદીભાષીઓ સુધી પહોંચવું – આ કોઈ સામાન્ય ઘટના નથી
કોઈ ગુજરાતી નવલકથા પરથી કરોડો રૂપિયાના ખર્ચે ભવ્ય હિંદી ફિલ્મ બનાવે એવું પહેલીવાર ‘મહારાજ’ ની રિલીઝથી બન્યું
- Advertisement -
‘સરસ્વતીચંદ્ર’ ગુજરાતી સાહિત્યની અમર નવલકથા છે. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીએ ચાર ભાગમાં લખેલી આ નવલકથા 1887, 1892, 1898 અને 1901માં પ્રગટ થઈ. નવલકથામાં ઓગણીસમી સદીના આરંભના ગુજરાતી પરિવારની વાત છે. ‘સરસ્વતીચંદ્ર’ નવલકથા પરથી ગોવિંદ સરૈયાએ 1968માં એ જ નામની હિંદી ફિલ્મનું દિગ્દર્શન કર્યું. નૂતન હીરોઈન હતી. કલ્યાણજી આણંદજીનું સુપરહિટ મ્યુઝિક. ફિલ્મ આ ગીતોને કારણે આજની તારીખે પણ ગુજરાતીઓના હૈયામાં છે : ચંદન સા બદલ, ફૂલ તુમ્હેં ભેજા હૈ ખત મેં, છોડ દે સારી દુનિયા કિસી કે લિયે, હમને અપના સબ કુછ ખોયા પ્યાર તેરા પાને કો. અને હજુ એક સદાબહાર – મેં તો ભૂલ ચલી બાબુલ કા દેશ પિયા કા ઘર પ્યારા લગે…
‘સરસ્વતીચંદ્ર’ ફિલ્મે ગોમાત્રિની અમર નવલકથાને હિંદી ભાષાના માધ્યમથી રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતીઓનું ગૌરવ વધાર્યું.
1987માં કેતન મહેતાએ (જેમણે ‘ભવની ભવાઈ’ અને ‘સરદાર’ જેવી યાદગાર ફિલ્મો બનાવી છે) ચુનીલાલ મડિયાની ગુજરાતી વાર્તા પરથી નસિરુદ્દીન શાહ અને સ્મિતા પાટીલને લઈને હિંદીમાં ‘મિર્ચ મસાલા’ નામની ફિલ્મ બનાવી. આર્ટ ફિલ્મ હોવાથી ઓછા લોકો સુધી પહોંચી પણ જેમણે જોઈ તે સૌ પ્રેક્ષકોએ છુટે મોઢે એને વખાણી. ગુજરાતી સાહિત્ય ફરી એકવાર હિંદી સિનેમાના માધ્યમથી રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિષ્ઠા પામ્યું.
(આ જ કેતન મહેતાએ ‘મિર્ચ મસાલા’ પછી 1988માં ‘મિસ્ટર યોગી’ નામની ટીવી સિરિયલ બનાવી હતી.) ગુજરાતી સાહિત્યના શીર્ષસ્થ સર્જક મધુ રાયની નવલકથા ‘કિમ્બલ રેવન્સવુડ’ પરથી, કેતન મહેતાએ ‘મિસ્ટર યોગી’ ટીવી સિરિયલ બનાવી તેના બેએક દાયકા બાદ, 2009માં આ જ નવલકથા પરથી આશુતોષ ગોવારિકરે પ્રિયંકા ચોપરાને લઈને ‘વોટ્સ યોર રાશિ’ નામની હિંદી ફિલ્મ બનાવી. ગુજરાતી સાહિત્યની એક ઔર અમર નવલકથા હિંદી સિનેમાના માધ્યમથી નેશનલ લેવલ પર પહોંચી.
ગોવર્ધનરામ ત્રિપાઠી, ચુનીલાલ મડિયા અને મધુ રાય ઉપરાંત બીજા કયા કયા મહાન ગુજરાતી સાહિત્યકારોની નવલકથા હિંદી સિનેમારૂપે રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી છે તે વિશે સંશોધન કરીને એક યાદી બનાવી આપવાની વિનંતી મેં હરીશ રઘુવંશીને કરી છે. ગુજરાતી નવલકથા પરથી ગુજરાતી ફિલ્મો ઘણી (‘માનવીની ભવાઈ’ વગેરે) બની છે. ગુજરાતી નાટકો પરથી કેટલીક હિંદી ફિલ્મો પણ બની છે (‘ધૂંધ’, ‘આજ કી તાજા ખબર’). પણ આપણે ગુજરાતી નવલકથાઓ પરથી બનેલી હિંદી ફિલ્મોની વાત કરી રહ્યા છીએ. ઉપર જેનો ઉલ્લેખ થયો તે ગોમાત્રિ, મડિયા અને મધુ રાયની નવલકથાઓ ઉપરાંત હું માનું છું કે હજુ બીજા બે-ત્રણ દાખલા જરૂર મળી આવશે. હરીશ રઘુવંશી આદરણીય ગુજરાતી ફિલ્મ સંશોધક છે. એમની યાદીની રાહ જોઈએ.
હિંદી સિનેમાના એક સદીના ઇતિહાસમાં ગુજરાતી નવલકથા પરથી બનેલી ફિલ્મો પાંચ-સાતથી વધારે નથી. હિંદી ફિલ્મોના મેઇનસ્ટ્રીમ નિર્માતા અને એમાંથી ઇન્ડસ્ટ્રીના ટોચના નિર્માતા કોઈ ગુજરાતી નવલકથા પરથી કરોડો રૂપિયાના ખર્ચે ભવ્ય હિંદી ફિલ્મ બનાવે એવું પહેલવહેલી વાર ‘મહારાજ’ ની રિલીઝથી બન્યું છે. મારા માટે તો આ ઘણા મોટા ગૌરવની વાત છે જ. પણ વાત મારા એકલા સુધી સીમિત નથી. આ ફિલ્મને લીધે ગુજરાતી ભાષામાં લખાતી સશકત્ત નવલકથાઓ પર હિંદી ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શકોનું ધ્યાન ખેંચાશે. નેશનલ લેવલ પર જઈ શકે એવી બીજી નહીં નહીં તોય પચીસ ગુજરાતી નવલકથાઓ ગુજરાતીમાં છે જે ‘મહારાજ’ કરતાંય ચાર ચાસણી ચડે એવી છે. કનૈયાલાલ મુનશીની નવલકથાઓ પરથી હિંદી ફિલ્મો બની ગઈ છે. હવે નવેસરથી વિશાળ બજેટ સાથે બનવી જોઈએ. રમણલાલ વસંતલાલ દેસાઈ, પન્નાલાલ પટેલ, ઝવેરચંદ મેઘાણી અને ચંદ્રકાંત બક્ષી, અશ્ર્વિની ભટ્ટ, હરકિસન મહેતાથી લઈને રઘુવીર ચૌધરી, મધુ રાય, વીનેશ અંતાણી સુધીના અનેક સર્જકોએ ઑલરેડી લેન્ડમાર્ક ગણાય એવી નવલકથાઓ આપી છે. હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ‘મહારાજ’ને કારણે આ ગુજરાતી નવલકથાઓ તરફ દૃષ્ટિ કરશે એવું ચોક્કસ બનવાનું છે. ગુજરાતી ભાષાના નવા નવલકથાકારોની સશકત્ત કૃતિઓ પણ હિંદી સિનેમાના માધ્યમથી આખા ભારતના દર્શકો સુધી પહોંચે એવી દિશા પણ યશરાજ ફિલ્મ્સે ‘મહારાજ’ દ્વારા ખોલી આપી છે.
એટલે જ ‘મહારાજ’નું હિંદી સિનેમાના કોમ્પીટિટિવ ક્ષેત્રમાં પ્રવેશવું અને લાખો-કરોડો પ્રેક્ષકો સુધી પહોંચવું, ભારતના જ નહીં-દુનિયાભરમાં પથરાયેલા હિંદીભાષીઓ સુધી પહોંચવું – આ કોઈ સામાન્ય ઘટના નથી. ‘મહારાજ’ નવલકથાના લેખક તરીકે મારું પુણ્ય તો આંગળી ચીંધવા પૂરતું જ સીમિત છે. આ ગૌરવ ગુજરાતીનું છે, આપણી માતૃભાષાનું છે. સાડા સાત કરોડ ગુજરાતીઓનું છે.
ફિલ્મ ‘મહારાજ’ની રિલીઝ નિમિત્તે થયેલો વિવાદ ગઈકાલે (શુક્રવાર 21 જૂને) ગુજરાત હાઇ કોર્ટે આપેલા લેન્ડમાર્ક ચુકાદા પરથી શમી જવો જોઈએ. નામદાર અદાલતે સ્પષ્ટ કહ્યુ છે કે, ‘… આ ફિલ્મ પુષ્ટિમાર્ગીઓની લાગણીને દુભાવવાના આશયથી નથી બની… ‘મહારાજ’ ફિલ્મ કોઈ રીતે ધાર્મિક લાગણીઓને અફેક્ટ કરતી નથી, હર્ટ કરતી નથી. ફિલ્મમાં સંદેશો એ આપવામાં આવ્યો છે કે સંપ્રદાય કોઈ વ્યક્તિ કરતાં કે ઘટના કરતાં ઘણો અગત્યનો છે. આ ઘટના (જદુનાથ મહારાજવાળી ઘટના)ને એક અપવાદ તરીકે લઈને વૈષ્ણવ સંપ્રદાય(નો વ્યાપ) અને તેના અનુયાયીઓ(ની સંખ્યા) વધતાં રહ્યાં છે. અને (આ સંપ્રદાય તથા તેના અનુયાયીઓ) ભારતના સામાજિક, સાંસ્કૃતિક તથા ધાર્મિક જગતના ગૌરવભર્યા તથા અનિવાર્ય એવા હિસ્સા તરીકે ચાલુ રહ્યા છે. આ ફિલ્મને લીધે સામાજિક કે કોમી સંવાદિતા ખોરવાશે એવો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે પણ આ જ (‘મહારાજ લાયબલ કેસ’, 1862) કેસ પર લખાયેલું પુસ્તક (‘મહારાજ’ નવલકથા) 2013માં પ્રગટ થઈ ચૂક્યું છે અને કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ નથી. ઈવન, અરજકર્તાઓએ પણ એવો કોઈ દાવો કર્યો નથી કે આ પુસ્તક (‘મહારાજ’ નવલકથા) દ્વારા કોઈ સામાજિક કે કોમી વિસંવાદિતા સર્જાઈ હોય’.
આ શબ્દો નામદાર ગુજરાત હાઇ કોર્ટના ચુકાદાના છે.
લગભગ એક કલાક સુધી આ ઑર્ડરનું ડિક્ટેશન જસ્ટિસ સંગીતા કે. વિશને કરાવ્યું. તે દરમ્યાન સૌરભ શાહના નામનો ઉલ્લેખ ત્રણથી વધુ થયો અને એકવાર નામ વિના ‘રિનાઉન્ડ ઑથરે’ લખેલા પુસ્તકનો ઉલ્લેખ થયો. નામદાર કોર્ટના ચુકાદાના ઑપરેટિવ હિસ્સામાં ‘મહારાજ’ ફિલ્મને રિલીઝ થવા દેવાના મુખ્ય કારણમાં 2013માં ‘મહારાજ’ પુસ્તક (નવલકથા) પ્રગટ થયા પછી ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવો નોંધાયા નથી તે વાત કેન્દ્રમાં હતી. ‘મહારાજ’ ફિલ્મને કારણે કશુંક અઘટિત બનશે એવી દહેશત અસ્થાને છે એવું કહીને કોર્ટે ‘મહારાજ’ નવલકથા પર આડકતરી રીતે મંજૂરીની મહોર મારી દીધી છે. આમ છતાં હજુય આ વિશે વિવાદ ચાલુ રહ્યો અને વૈષ્ણવો, સનાતનધર્મીઓ, હિંદુઓની ઉશ્કેરણી કરવાનું કામ ચાલુ રહ્યું તો તે કૃત્ય કમનસીબ હશે એવું હું માનું છું એટલું જ નહીં આડકતરી રીતે કોર્ટનો તિરસ્કાર કરવા જેવું કૃત્ય હશે એવું પણ હું માનું છું. માટે હવે આ બાબતે સૌ કોઈએ શાંતિ રાખવી જોઈએ.
‘મહારાજ’ નવલકથાની પ્રસ્તાવનામાં મેં નોંધ્યું છે : ‘જેમ ભારતીય હોવાનું, હિંદુ હોવાનું, ગુજરાતી હોવાનું અને માણસ હોવાનું મને ગૌરવ છે એટલું જ ગૌરવ મને વૈષ્ણવ હોવાનું પણ છે. વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાથી હું વાકેફ છું. આ નવલકથા કોઈ એક સંપ્રદાયને વગોવવાના કે કોઈપણ વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાવવાના આશયથી લખાઈ નથી. એવું કરવાનો વિચાર સુધ્ધાં જિંદગીમાં ક્યારેય નથી આવ્યો. વૈષ્ણવ પરંપરામાં એક જમાનામાં રહેલા એક વરવા પાસા પર પ્રકાશ ફેંકવાનો આ પ્રયાસ છે જેથી સમગ્ર વૈષ્ણવો ચેતે અને જો આ જમાનામાં ક્યાંક આવી કે કોઈપણ પ્રકારની બદીઓ હોય અને તે જુએ તો તેઓ કરસનદાસ મૂળજી બનીને ત્યાં પહોંચી જાય અને એને અટકાવે. ફરી યાદ અપાવું કે કરસનદાસ મૂળજી પોતે વૈષ્ણવ હતા, કપોળ હતા’.
ધારાવાહિક રૂપે ‘મહારાજ’ નવલકથા લખવાનું શરૂ કર્યા પછી હું જદુનાથ મહારાજના પૌત્રના પૌત્ર બાલકૃષ્ણલાલજી (બાલારાજા)ને મળવા 1997ના અરસામાં સુરતમાં ચૌટાસ્થિત મોટી હવેલીએ ગયો હતો. પ્રસ્તાવનામાં મેં નોંધ્યું છે: ‘…. બાલુરાજાએ મને જણાવ્યું કે કેટલાક વૈષ્ણવો એમની પાસે ‘મહારાજ’ નવલકથાની વાત લઈને આવ્યા હતા અને એનો વિરોધ કરવાનું એમણે સૂચવ્યું હતું. પણ બાલુરાજાએ મને એમને એવું કહ્યું હોવાનું જણાવ્યું કે ‘વિરોધ કરશો તો વધારે છાંટા ઊડશે માટે ચૂપ રહો એમાં જ ભલીવાર છે’. સેવકોને આવી વ્યવહારુ સલાહ આપવા બદલ મારે મહારાજશ્રીનો આભાર માનવો જોઈએ.’ ગુજરાત હાઇ કોર્ટના નેત્રદીપક ચુકાદા પછી પણ ‘મહારાજ’નો વિરોધ કરીને વૈષ્ણવોને, હિંદુઓને ઉશ્કેરીને સામાજિક સમરસતાને ડહોળવાની કોશિશ કરી રહેલાં કેટલાંક તત્વોએ પરમ આદરણીય બાલકૃષ્ણલાલજી ગોવિંદરાયજી મહારાજશ્રીના આ શબ્દો યાદ રાખવા જોઈએ : ‘વિરોધ કરશો તો વધારે છાંટા ઊડશે. માટે ચૂપ રહો એમાં જ ભલીવાર છે’.
‘સરસ્વતીચંદ્ર’ નવલકથા પરથી ગોવિંદ સરૈયાએ 1968માં એ જ નામની હિંદી ફિલ્મનું દિગ્દર્શન કર્યું. નૂતન હીરોઈન હતી, કલ્યાણજી આણંદજીનું સુપરહિટ મ્યુઝિક. ફિલ્મ તેના ગીતોને કારણે આજની તારીખે પણ ગુજરાતીઓના હૈયામાં છે