AA[ પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનનો ઑડિયો વાયરલ, સોશિયલ મીડિયા પર ચાલતી પાર્ટીને ઉમેદવારો શોધવાનાં ફાંફાં
સૌજન્ય ઑપ્પ ઈન્ડિયા, ગુજરાતી
- Advertisement -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનાં મંડાણ થઈ ચૂક્યાં છે. 26મી એપ્રિલે મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણી માટે એકસાથે મતદાન યોજાશે. 11મી એપ્રિલ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. એટલે આ લખાય રહ્યું છે ત્યારે બે દિવસ બાકી રહ્યા છે.
પાર્ટીઓ ચૂંટણી માટે પોતપોતાની રીતે તૈયારી કરી રહી છે. સત્તાપક્ષ ભાજપ પાસે એક સીટ માટે દસ દાવેદાર હોય એવી પરિસ્થિતિ દરેક ચૂંટણીમાં રહે છે અને સ્થાનિક ચૂંટણીઓમાં તો બેઠકો પણ વધારે હોય અને એટલા જ દાવેદારો પણ વધારે હોય. કોંગ્રેસને હવે ગુજરાતમાં સંગઠનના નામે મીંડું છે પણ ચૂંટણીમાં લડવા માટે માણસો તો મળી રહે છે. પણ છેલ્લાં થોડાં વર્ષોથી ગુજરાતના રાજકારણમાં પગપેસારો કરવા માગતી અને મોટેભાગે સોશિયલ મીડિયા પર ક્રાંતિ લાવવાનાં હવાતિયાં મારતી રહેતી આમ આદમી પાર્ટીની હાલત જોવા જેવી થઈ છે.
આમ આદમી પાર્ટીને હવે ચૂંટણી લડવા માટે માણસો મળી રહ્યા નથી. આ વાત પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીનો એક ઑડિયો વાયરલ થયા બાદ ચર્ચાઈ રહી છે. આમ તો આવા ઑડિયોને આમ આદમી પાર્ટી તરત એઆઈ ગણાવી દે છે, જેવું ગોપાલ ઈટાલિયાના કેસમાં કર્યું હતું, પણ આ વખતે ઈસુદાને પોતે સ્વીકાર્યું છે કે આ વાત તેઓ જ કહી રહ્યા છે.
ઑડિયોમાં ઈસુદાન કોઈકની સાથે વાત કરતાં કહે છે કે, પાર્ટીના કાર્યકરો હવે આળસ ન કરે. ઉમેદવારો માટે તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં પરફોર્મન્સ બતાવો અને ઘરે જવું પડે તો જાઓ અને પગે પડીને પણ માણસો લઈ આવો. આગળ તેઓ પોતાનો ઉલ્લેખ કરતાં કહે છે કે, ઈસુદાન જ્યારે પ્રદેશ અધ્યક્ષ હતો ત્યારે પણ લોકોના પગે પડ્યો છે.
આ ઑડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ચર્ચા એવી ચાલી રહી છે કે આખું વર્ષ સોશિયલ મીડિયા પર જ એક્ટિવિઝમ કરતી રહેતી આમ આદમી પાર્ટીને હવે ઉમેદવારો જડી રહ્યા નથી કારણ કે ગ્રાઉન્ડ પર તો કામ કરવામાં તેના નેતાઓને રસ જ નથી. નેતાઓ કાયમ સોશિયલ મીડિયા અને મીડિયામાં, ખાસ કરીને અમુક યુટ્યુબ ચેનલોમાં જ પડ્યા-પાથર્યા રહે છે, જમીન પર સંગઠન ઊભું કરવામાં કોઈને રસ ન હતો. એટલે આવી હાલત થઈ છે.
થોડા દિવસ પહેલાં અખબાર ‘સંદેશ’માં એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો, જેમાં પણ જણાવવામાં આવ્યું હતું કે આમ આદમી પાર્ટીને સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારો મળી રહ્યા નથી. સંદેશે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીનું માળખું ગુજરાતમાં વેરવિખેર થઈ ગયું છે અને સ્થાનિક ચૂંટણીમાં પાર્ટીને ઉમેદવારો મળી રહ્યા નથી.
ઉલ્લેખનીય છે કે નજીકના ભૂતકાળમાં આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ પાર્ટી છોડી ચૂક્યા છે અને હવે નેતૃત્વના નામે ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી વગેરે જ રહ્યા છે, જે નેતાઓ અગાઉ અનેક ચૂંટણીમાં નિષ્ફળ સાબિત થઈ ચૂક્યા છે. થોડા સમય પહેલાં સૌરાષ્ટ્રમાં ખેડૂતોની ચળવળ ચલાવનાર આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પણ પાર્ટી છોડી ચૂક્યા છે અને તાજા અહેવાલો એવા છે કે તેઓ ભાજપમાં જોડાશે. તે પહેલાં અનેક મોટા પ્રદેશ સ્તરના નેતાઓએ પાર્ટી છોડી હતી.
પરિણામે હવે કાર્યકરોમાં નિરાશા વ્યાપી રહી છે એવી ચર્ચા મીડિયામાં ચાલી રહી છે. જેના કારણે સંગઠન પણ નબળું પડ્યું અને ઉમેદવારો પણ મળી રહ્યા નથી.



