મોરબીના ધારાસભ્યની અધિકારીઓને સ્પષ્ટ વાત!
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ત્રણ કેનાલોને રીપેરીંગ કામ માટે બંધ કરવામાં આવેલ છે જો કે, ખરીફ પાક માટે ખેડૂતોને ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરવામાં આવે છે પરંતુ કેનાલના કામ અધૂરા છે જેથી કેનાલમાંથી પાણી મળશે કે કેમ તે સવાલ હતો જેથી આજે ધારાસભ્યની આગેવાનીમાં મોરબીના સર્કિટ હાઉસ ખાતે નર્મદા નિગમના અધિકારીઓને સાથે રાખીને ખેડૂતોની હાજરીમાં મીટીંગ યોજાઇ હતી જેમાં નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારીના લીધે કામમાં વિલંબ થઈ રહ્યો છે, અધિકારીઓ ફોનનો ઉપાડતા અને ભ્રષ્ટાચાર કરે છે તેવા ગંભીર આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા હતા.
મોરબી જિલ્લામાં નર્મદાની ત્રણ બ્રાન્ચ કેનાલો આવે છે જેમાં માળિયા, ધ્રાંગધ્રા અને મોરબી બ્રાન્ચ કેનાલનો સમાવેશ થાય છે આ ત્રણેય કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવે તેમાંથી હળવદ, મોરબી અને માળિયા તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું હોય છે અને તેના થકી ખેડૂતો પોતાના ખેતરમાંથી પાક લઈ શકતા હોય છે દર વર્ષે ચોમાસા પહેલા ખેડૂતો દ્વારા પાકનું આગોતરું વાવેતર કરવામાં આવતું હોય છે જોકે આ વખતે નર્મદાની ત્રણેય કેનાલની અંદર પાણી ક્યારે છોડવામાં આવશે તે પ્રશ્ન હતો કારણ કે ગત માર્ચ મહિનાથી આ ત્રણેય કેનાલોની અંદર નર્મદાનું પાણી બંધ કરવામાં આવ્યું છે અને કેનાલના રીપેરીંગ કામ માટે થઈને નર્મદાનું પાણી બંધ કરાયું છે જોકે અધિકારીઓની બેદરકારી તેમજ કોન્ટ્રાક્ટરની ડાંડાઈના લીધે મોટા ભાગની કામગીરી આજની તારીખે અધૂરી છે. જેથી નર્મદાની કેનાલમાં આ વર્ષે ચોમાસા પહેલા પાણી છૂટશે કે કેમ તે પ્રશ્ન હતો માટે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાની હેઠળ નર્મદા નિગમ સૌરાષ્ટ્ર શાખા નહેરના કાર્યપાલક ઇજનેર નીતિનભાઈ પટેલ તેમજ અધિકારીઓની હાજરીમાં ત્રણેય તાલુકાના ખેડૂત આગેવાનોને મોરબીના સર્કિટ હાઉસ ખાતે બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં ખેડૂતોના નર્મદાની કેનાલને લગતા જે વિવિધ પ્રશ્નો હતા તેની રજૂઆતો સાંભળવામાં આવી હતી આ ઉપરાંત કેટલાક ખેડૂતોના કેનાલને લગતા વ્યક્તિગત પ્રશ્નો પણ હતા જેનો પણ ઉકેલ લાવવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
આ બેઠક દરમિયાન ખેડૂતોએ નર્મદાનાં અધિકારીઓએ ઉપર એવા ગંભીર આક્ષેપો કર્યા હતા કે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે, પાણી વેચવામાં આવે છે એટ્લે જ તો છેવાડા સુધી પાણી પહોંચતું નથી, અધિકારીઓ ખેડૂતો આગેવાનોના ફોન રિસીવ કરતા નથી. ત્યારે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એ કહ્યું હતું કે અધિકારીએ ખેડૂત આગેવાનોના ફોન ન ઉપાડવા હોય તો રાજીનામાં મૂકી દે કેમ કે ખેડૂતોને કેનાલમાં કયારે પાણી આવશે? કયારે કામ પૂરું કરવામાં આવશે? વિગેરે જેવી માહિતી અધિકારી પાસેથી જોઈતી હોય છે અને તેના આધારે તે પોતાની ખેતીમાં પાકનું વાવેતર કરવા માટેનું આયોજન કરવતા હોય છે. હાલમાં કેનાલ રિપેરિંગની જે કામગીરી ચાલે છે તેના ઉપર દેખરેખ રાખવા માટે સ્થાનિક ખેડૂત આગેવાનોની ત્રણેઉ કેનાલ માટે એક-એક કમિટીની રચના કરવામાં આવી છે અને જો કોન્ટ્રાક્ટર દ્વારા નબળી કામગીરી કરવામાં આવતી હશે તો કામ બંધ કરાવવા માટે ધારાસભ્ય એ ખેડૂત આગેવાનોને કહ્યું છે તેમજ આ મિટિંગમાં આગામી 31-5-2025 થી નર્મદાની ત્રણેય કેનાલની અંદર પાણી છોડવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.
- Advertisement -
જ્યારે ભ્રષ્ટાચાર અંગે અધિકારીઓ સામેનાં આક્ષેપો નાં પુરાવા આપશે તો કાર્યવાહી કરાશે તેવું કાર્યપાલક ઇજનેરે મીડિયા નેં જણાવ્યું હતું. મોરબી માં ધારાસભ્યની હાજરીમાં જે મિટિંગ મળી હતી તેમાં ખેડૂતો દ્વારા નર્મદા નિગમનાં અધિકારીઓએ ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા આ બાબતે સૌરાષ્ટ્ર શાખા નહેર નર્મદા નિગમના કાર્યપાલક ઇજનેર નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતો અને તેમના આગેવાનો નાં ફોન રિસીવ કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે અને જો કોઈ અધિકારી વારંવાર ફોન ન ઊપડતાં હોવાની ફરિયાદ આવશે તો તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમજ ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવે છે પરંતુ કોઈ પુરાવા આપવામાં આવશે તો તે અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે!