ઝેલેન્સ્કીને ખાનગી ફોનકોલ કરીને ઓફર કરી કે અમેરિકા તમને લાંબા અંતરના હથિયાર આપશે, તમે મોસ્કો પર હુમલા કરો.
યુએસ રાષ્ટ્રપતિની ટિપ્પણી એવા અહેવાલો બાદ આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે તેમણે કિવને રશિયન પ્રદેશમાં હુમલાઓ વધારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
- Advertisement -
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા પર આવતાની સાથે 24 કલાકમાં રશિયા અને યુક્રેન યુદ્ધ બંધ કરાવી દઈશ તેવી શેખી મારી હતી, પરંતુ ટ્રમ્પે સત્તા સંભાળ્યાને છ મહિના થવા આવ્યા છતાં રશિયા અને યુક્રેન યુદ્ધ બંધ નથી થયું. રશિયન પ્રમુખ પુતિન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ગાંઠતા નથી. જેથી હવે ટ્રમ્પે યુદ્ધ બંધ નહીં થાય તો રશિયાને 100 ટકા ટેરિફની સાથે સેકન્ડરી ટેરિફ નાંખવાની ધમકી આપી છે. બીજીબાજુ યુક્રેનને મોસ્કો પર હુમલા કરે તો અમેરિકાના હથિયારો પૂરા પાડવાની ઓફર કરી છે. ટ્રમ્પની ધમકી વચ્ચે રશિયાએ અમેરિકા પર પલટવાર કરતા કહ્યું કે, અમે પ્રતિબંધોથી ડરતા નથી. અમે મજબૂતીથી સામનો કરીશું.
પ્રમુખ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધનો વહેલામાં વહેલી તકે અંત લાવવા ઇચ્છા દર્શાવી હતી અને રશિયાને 100 ટકા ટેરિફની ધમકી આપી હતી. સાથે ટ્રમ્પે રશિયાને સેકન્ડરી ટેરિફની પણ ધમકી આપી હતી. એટલે કે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદનારા દેશો પર વધારાનો ટેરિફ નાંખવામાં આવશે.
ભારત અને ચીન સહિતના દેશો રશિયા પાસેથી નીચી કિંમતે ક્રૂડ ખરીદે છે ત્યારે ટ્રમ્પે આ દેશો પર પણ વધારાનો ટેરિફ નાંખવાની ધમકી આપી છે. અમેરિકાએ અગાઉ પણ ભારતને રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ ટેરિફની ધમકી આપી હતી, પરંતુ ભારતે દરેક વખતે દેશહિતની વાત કરીને અમેરિકન ધમકીની અવગણના કરી હતી.
- Advertisement -
દરમિયાન ટ્રમ્પની ટેરિફની ધમકીના જવાબમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે મંગળવારે કહ્યું કે, મોસ્કો ટ્રમ્પના આ નિર્ણય પાછળનું કારણ સમજવા માગે છે. અમે કોઈપણ પ્રતિબંધોનો સામનો કરવા તૈયાર છે. અમેરિકા યુક્રેનને પેટ્રિયટ મિસાઇલ્સ આપવાનું છે તેમ જાણતા જ રશિયાએ યુક્રેન ઉપર ફરી પ્રચંડ બોમ્બ અને મિસાઇલ્સ મારો શરૂ કરી દીધો હતો.