શાહનામા
– નરેશ શાહ
તમે વાંચો છો, એ આ લેખકની કોલમનો આખરી લેખ હોય તો ? અચ્છા, તમે વાંચો છો, એ તમારો છેલ્લો લેખ હોય તો ? જરા કંપારી છૂટી જાય તેવી વાત છે. ગમે તેવી કષ્ટદાયી હોય, જિંદગી સહુને વહાલી હોય છે પણ એથી કંઈ અંતિમ પડાવમાં કદાપિ બદલાવ આવ્યો નથી, આવવાનો નથી… છતાં એ ય હકિક્ત છે કે જીવનની આખરી પળ (ન કરે નારાયણ, પણ આવી જાય તો) વખતે આપણે સ્વસ્થ હોઈએ તો નજીકના, અંગત લોકોને એકઠાં કરીને શું કરીએ ? વિષય કલ્પનાનો છે છતાં રસપ્રદ તો છે જ, સો ટકા.
- Advertisement -
એક આડ વાત. તમારી પાસે જિંદગીના છેલ્લા દિવસો જ બચ્યાં હોય તો તમે શું કરો, એ મતલબનો લેખ વરસો પહેલાં સૌરભ શાહે લખ્યો હતો. તે લેખથી પ્રેરિત થઈને શાહનામાના લેખકે (જિંદગીની છેલ્લી ચોવીસ કલાક બચી હોય તો તમે શું કરો) પણ લેખ લખેલો અને પછી તો શાહનામા નો લેખક મરી પરવાર્યો હોય તો તમે કેવી શ્રદ્ઘાંજલિ આપો – એ વિષે પર તો એક હતો નરેશ નામનું પુસ્તક પણ પ્રસિદ્ઘ ર્ક્યું છે પણ…
તમે મોરારિબાપુ, શાહબુીન રાઠોડ, ગુણવંત શાહ, અશ્ર્વિની ભટ્ટથી લઈને વૈજ્ઞાનિક જે. જે. રાવળ અને ડૉ. મનુભાઈ કોઠારી જેવી વિવિધ સેલિબ્રિટીને છેલ્લું પ્રવચન દેવાનું કહી શકો ખરાં ? મુંબઈના આર્કિટેકટ (અને અભિયાનના સાપ્તાહિકના સ્થાપક) અવિનાશ પારેખ અને તેમના કોફી મેટસ સંસ્થાના મિત્રોએ ર010 માં આવા વિવિધ ક્ષ્ોત્રોના મહારથીઓને (જો આ હોય મારું ) અંતિમ પ્રવચન આપવા માટેનું નવતર પ્લેટફોર્મ સર્જયું અને પછીથી એ તમામ પ્રવચનોનું દળદાર પુસ્તક પણ પ્રગટ થયું : અલ્પવિરામ : જો આ હોય મારું અંતિમ પ્રવચન
લગભગ બે વરસ સુધી ચાલેલી અંતિમ પ્રવચનની શ્રેણીમાં રોકડા પચ્ચીસ મહાનુભાવોએ જીવનનું આખરી ગણીને પોતાનું પ્રવચન આપ્યું હતું અને તેને શબ્દશ: પુસ્તકમાં છાપવામાં આવ્યું છે…
આમ લખવાનું કારણ જાણવા માટે ગાંધીજન નારાયણભાઈ દેસાઈના આ શબ્દો વાંચો : એક કબુલાત સાથે શરૂઆત કરવા માંગુ છું. આજે જે વિષય રાખવામાં આવ્યો છે અથવા તમારી જે અપેક્ષ્ાા હશે એ વિશે મને ખાસ રુચિ નથી. મેં એ બાબતે થોડો વિરોધ પણ નોંધાવ્યો હતો (એ પછી થોડી હળવી વાત કરીને નારાયણભાઈએ કહ્યું કે) આટલો વિનોદ કરી પછી મારે થોડી વેદનાની વાત કરવી છે. એ વેદના એટલે આપણે અહીં ભેગા થયા છીએ તે. મુંબઈના શાણા લોકો, બૌદ્ઘિકોને મહિનામાં એક વાર કોઈકનું વ્યાખ્યાન સાંભળવાનું આયોજન કરવાનું મન થયું, અને તે પણ પાછું રવિવારે જ કારણકે બાકીના દિવસોએ તો આપણે વધારે અગત્યના કામ કરવાના હોય છે. દર મહિને એક વાર આ રીતે કોઈને સાંભળવા માટે એકત્ર થવું, એ મારે મતે તો આળસુ માણસની પ્રકૃતિ છે
- Advertisement -
અંતિમ પ્રવચનના પ્રથમ વક્તાએ આ રીતે ઝાટકણી કાઢીને કહેલી વાત તો બેશક વાંચવા જેવી છે. સોરી, સાંભળવા ચૂકી ગયા હો તો ખરેખર વાંચવા જેવા આ પ્રવચનો (દરરોજ એક વાંચો તો પચ્ચીસ દિવસનો પ્રસાદ) છે. મધુ રાય પોતાના પ્રવચનમાં ઈચ્છાઓનું બકેટ લિસ્ટ આપતાં કહે છે કે, મારા પૈસા ઉચાપત કરવા બદલ એક માણસ સામે મેં કોર્ટ કેસ ર્ક્યો છે. તે કેસ મારે જીતવો છે. મારે એક આઈપોડ વસાવવું છે. મારા ન્યુ જર્સીના ઘરને રિમોડેલ કરવું છે. એક સરસ નોટબુક, અને લગીર મોટી સ્ક્રીનવાળો એક મોબાઈલ ફોન લેવો છે…
રામકથાકાર મોરારિબાપુ પોતાના અંતિમ પ્રવચનમાં એક જગ્યાએ કહે છે કે,
… એનો અર્થ એવો નથી કે અત્યારે જે બોલું છું તે સાચું જ બોલું છું. અત્યારે ક્યારેક કથા માંગવા કોક આવે ત્યારે મજબૂરીનું જૂઠ બોલવું પડે કે, બહુ સમય નથી, પણ એ સમયમાં જૂઠનો આશ્રય લેવો પડયો એનું મને દુ:ખ છે અને તમારા સૌની સામે વ્યક્ત કરવાનું સુખ પણ છે. કોઈ લોભ કે કોઈ કામનાએ મને બહુ હેરાન નથી ર્ક્યો, પણ વ્યવહારની સંકડામણો, મજબૂરીઓએ જૂઠનો આશ્રય બહુ કરાવ્યો, બચપણમાં.
નન અધર ધેન (હવે સ્વર્ગીય) અશ્ર્વિની ભટ્ટ અંતિમ પ્રવચનનો આરંભ કરતાં કહે છે કે, મને પંચોતેર થયા, પણ છેલ્લા પંદર વર્ષમાં હું ત્રણ વખત મૃત્યુને મળીને – હાથતાળી આપીને પાછો આવ્યો છું…
ગુણવંત શાહ : … મને કેટલીક વાતો નિખાલસપણે જાહેરમાં કહી દેવાની ચળ આવી રહી છે… એવી વાતો છે, જે મેં ઈજ્જત નામની ચુડેલના ભયથી ખાનગીમાં દબાવી રાખી હતી… હવે પછીની ક્ષ્ાણોમાં આ મજકૂર શખ્સ અને મજબુર ઈસમ જે કંઈ બોલશે તેમાં નિરપવાદ, નિખાલસતા અને વળી થોડીક નફફટ નિર્ભયતા પણ હશે
અંતમાં ત્રણ જ શબ્દો : વાંચવા જેવું પુસ્તક