માર્ચ 2026 સુધીમાં દેશને નક્સલવાદથી મુક્ત કરાશે : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
એક વર્ષમાં 287 નક્સલી ઠાર, 990થી વધુની ધરપકડ, 836એ સરેન્ડર કર્યું : ગૃહ મંત્રી બસ્તર પહોંચ્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નક્સલીઓને આકરો સંદેશો આપતા કહ્યું હતું કે સરેન્ડર કરી હથિયારો છોડો નહીં તો આકરા પરિણામો માટે તૈયાર રહો. છત્તીસગઢના જગદલપુરમાં બસ્તર ઓલિમ્પિક્સના કાર્યક્રમમાં પોતાના ભાષણમાં અમિત શાહે કહ્યું હતું કે હું નક્સલીઓને વિનંતી કરુ છું કે તેઓ હથિયારો છોડે, આગળ આવે અને સરેન્ડર કરે. નહીં તો સુરક્ષાદળો તેમને કચડી નાખશે. નક્સલ પ્રભાવિત બસ્તરના હેડક્વાર્ટરમાં ગૃહ મંત્રીએ આ સાથે જ દાવો કર્યો હતો કે વર્ષ માર્ચ 2026 સુધીમાં દેશને નક્સલવાદથી મૂક્ત કરી દઇશું.
- Advertisement -
નક્સલવાદથી દેશને મૂક્ત કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ માટે છત્તીસગઢ પોલીસ કટિબદ્ધ છે. વિસ્થાપન માટેની છત્તીસગઢ સરકારની નીતિ સૌથી શ્રેષ્ઠ છે. જો નક્સલીઓ હથિયાર છોડીને સરેન્ડર કરશે તો તેમને મુખ્ય પ્રવાહમાં આવીને દેશના વિકાસમાં ભાગીદાર થવાની તક અપાશે. જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે નક્સલવાદ સામેની કાર્યવાહી બહુ જ નબળી પડી ગઇ હતી. જોકે બાદમાં ભાજપની સરકારે સત્તા સંભાળ્યા પછી કાર્યવાહીએ ગતિ પકડી છે. છેલ્લા એક વર્ષમાં 287 નક્સલીઓને ઠાર કરાયા, જ્યારે 992 નક્સલીઓની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ 836 નક્સલીઓને સરેન્ડર કર્યું છે. અમિત શાહે કહ્યું હતું કે જો બસ્તર નક્સલવાદથી મૂક્ત થઇ જશે તો અહીંયા કાશ્મીર કરતા પણ વધુ પર્યટકો આવશે કેમ કે બસ્તર કુરતી રીતે જ સુંદર છે. હાલમાં લોકો ચર્ચા કરી રહ્યા છે કે બસ્તર બદલાઇ રહ્યું છે પરંતુ હું લોકોને ખાતરી આપવા માગુ છું કે જ્યારે માર્ચ 2026માં હું બસ્તર આવીશ ત્યારે આ વિસ્તાર બદલાઇ ચુક્યો હશે. જે દિવસે છત્તીસગઢ નક્સલવાદથી મૂક્ત થશે ત્યારે સંપૂર્ણ દેશ આ દુષણથી મૂક્ત થશે.અમિત શાહે રાયપુરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પ્રેસિડેન્ટ પોલીસ કલર એવોર્ડ સમારોહને પણ સંબોધ્યું હતું, જે દરમિયાન તેમણે છત્તીસગઢ પોલીસના વખાણ કર્યા હતા.