એક તરફ ગંદકી, બીજી તરફ તળાવનું પાણી ખાલી થતાં રોષ
ઉનાળામાં જળસંકટ અને માછલીઓના જીવ જોખમમાં
- Advertisement -
કોર્પોરેટરો અને અધિકારીઓની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જૂનાગઢ શહેરમાં ખુલ્લા વોકળા પાસે બનેલા એપાર્ટમેન્ટ અને ઘરોના રહીશો માટે હવે જાણે મુસીબત ઉભી થઇ હોઈ તેવું જોવા મળી રહ્યું છે એક તરફ રહેણાંક ઘરો પાસે ખુલ્લા વોકળામાં સ્થાનિક લોકોનું ગંદુ પાણી અને કચરો ભરવાના કારણે હવે મુશ્કેલી ઉભી થઇ છે જેમાં વરસાદી પાણી ભરાઈ ત્યારે તેના નિકાલ માટે નરસિંહ મેહતા સરોવરના વાલ્વ ખોલી નાખવામાં આવે છે. પણ સમસ્યા હલ થતી નથી કારણકે ફરી વરસાદી પાણી અને ગટરના પાણી અને કચરો ભરાવાને લીધે ગંદકી ફેલાઈ છે. તેના માટે સ્થાનિક કોર્પોરેટર અને મહાનગર પાલિકા અધિકરીઓ હાથ ઉપર હાથ ધરીને બેઠા છે. આ પ્રશ્ર્ન કાયમી બની ગયો છે તેનું યોગ્ય નિરાકરણ આવે તેવું કામ થતું નથી જેના લીધે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
જૂનાગઢ શહેર એક પછી એક નાગરિક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. એક તરફ જલારામ સોસાયટી પાછળના વિસ્તારમાં આવેલા નર્મદેશ્વર મહાદેવ મંદિર રોડ પાસેના ખુલ્લા વોંકળામાં ગટરનું પાણી ભરાઈ રહેતા સ્થાનિકોમાં રોગચાળાનો ભય ફેલાયો છે. ચોમાસામાં પાણી ભરાઈ ગયા બાદ પણ તેનો યોગ્ય નિકાલ ન થતા ગંદકી વધી રહી છે. બીજી તરફ, શહેરના હાર્દ સમા નરસિંહ મહેતા તળાવના નવીનીકરણનું કામ કરોડોના ખર્ચે ધીમી ગતિએ ચાલી રહ્યું છે. અચાનક ગત રાત્રિથી તળાવમાંથી હજારો ગેલન પાણી છોડવામાં આવી રહ્યું છે. સ્થાનિકોને ભય છે કે તળાવમાંથી પાણી ઓછું થવાથી આસપાસના વિસ્તારોમાં ઉનાળાની ઋતુમાં ભૂગર્ભ જળસ્તર ઊંડા ઉતરી જશે અને પાણીની ગંભીર સમસ્યા સર્જાશે. આ ઘટનાઓ મનપાની અણઘડ કામગીરી સામે શહેરીજનોમાં રોષ ઊભો કરી રહી છે.
સ્થાનિકો દ્વારા ઊઠાવવામાં આવેલા પ્રશ્ર્નો: નર્મદેશ્વર મંદિર પાસેના વોંકળામાં ભરાતા પાણીનો યોગ્ય નિકાલ કેમ થતો નથી? ભૂગર્ભ ગટર હોવા છતાં તેનું પાણી તળાવને પાર કેમ નથી જતું? તેની પાઇપલાઇન કેમ નથી નાખવામાં આવી? લાલબાગ તરફ જતી ગટર કોણે બંધ કરી અને પ્રી-મોન્સૂન કામગીરીમાં તેની સફાઈ કેમ ન કરવામાં આવી? તાલુકા સેવા સદન પાસે નવાબી કાળની મોટા પાઈપવાળી ગટરો હજુ પણ હયાત છે, જેની સફાઈ કરીને પાણીનો પ્રવાહ કેમ વાળવામાં આવતો નથી? આ વિસ્તારમાં ચાલી રહેલા ભૂગર્ભ ગટરના કામમાં એજન્સીની જવાબદારી તમામ ઘરોનું પાણી એસટીપી (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) સુધી પહોંચાડવાની છે, છતાં કેમ હાઉસ કનેક્શન આપવામાં આવ્યા નથી? તળાવ ખાતેની પંપિંગ લાઇન સાથે કનેક્શન કેમ નથી? આ પ્રશ્ર્નો પ્રોજેક્ટના મૂળ હેતુને સિદ્ધ થવા દેતા નથી. શહેરીજનો માની રહ્યા છે કે કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ જો સમસ્યાઓનું સમાધાન ન થાય તો આવી કામગીરીનો કોઈ અર્થ રહેતો નથી અને સત્તાવાળાઓ દ્વારા આ અંગે તાત્કાલિક ધ્યાન આપી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.
- Advertisement -
નરસિંહ મહેતા તળાવમાંથી પાણી છોડવામાં આવતા અનેક સમસ્યા
જૂનાગઢ શહેરની મધ્યમમાં આવેલ નરસિંહ મેહતા તળાવમાંથી પાણી છોડવામાં આવતા અનેક સમસ્યા ઉદ્ભવે છે તેમાં પહેલાતો તળાવ માંથી પાણી ઓછું થવાને કારણે તેની સીધી અસર આસપાસના રહેણાંક વિસ્તારને થાય છે જેના વોર્ડ નંબર – 11 સહીત અનેક વિસ્તારમાં થાય છે હાલતો ચોમાસુ ચાલી રહ્યું છે ત્યારે વધુ વાંધો હોતો નથી પણ જયારે ઉનાળામાં તળાવમાં પાણી ખૂટી જવાથી આસપાસના હજારો ઘરોને પાણીના તળ ઊંડા ઉતરી જવાથી પાણી સમસ્યા સર્જાય છે. જયારે જીવદયા પ્રેમી હિતેશભાઈ સંઘવીએ પણ પ્રશ્ર્ન ઉઠાવ્યો છે કે, તળાવનું પાણી ખાલી થવાથી તળાવમાં રહેલી માછલાંઓ મોતને ભેટે છે. આ પાણી નીચેના વાલ્વમાં ખોલવાથી અસંખ્ય માછલીઓ નીચેના વોકળામા જાય છે અને તે થોડા દિવસોમા મરી જશે તેની જવાબદારી કોની તેવા સવાલો જીવદયા પ્રેમી હિતેશભાઈએ સ્થાનિક કોર્પોરેટર સામે સવાલો ઉઠાવ્યા છે. આમ શહેરમાં એક સાંધો તો તેર તૂટે તેવી સ્થિતિ સર્જાય છે.