સરકારે માફી આપી જ નથી, તત્કાલીન જેલ ઈંૠ બિશ્ત આખો ખેલ પાડી ગયા છે
રાષ્ટ્રપતિ ઈચ્છે તો સજામાફી આપી શકે પરંતુ તેની શક્યતા નહીંવત્
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયા હત્યા કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. અનિરૂદ્ધસિંહ જાડેજાએ સજા માફી યથાવત રાખવા સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. અનિરૂદ્ધસિંહ જાડેજાને 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર થવું પડશે. તત્કાલીન ધારાસભ્યની હત્યા કેસમાં રિબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા થઈ હતી. આ દરમિયાન એવી ચર્ચા શરૂ થઈ છે કે, જો અનિરૂદ્ધસિંહ જાડેજા સરેન્ડર કરી આપે તો પણ વધુ સમય સુધી જેલમાં નહીં રહે. તેઓ ફરી જેલમાં જશે તો પણ ટૂંકસમયમાં બહાર આવી જશે. આ અંગે કાયદાના જાણકાર એક પ્રખ્યાત ધારાશાસ્ત્રીને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, સરકાર ચૌદ વર્ષથી વધુ સજા ભોગવેલા કેદીને માફી આપી શકે તેમ છે, આજીવન સજા હોય કે જન્મટીપ હોય, સરકાર પાસે સજા માફીની સત્તા છે. જો સરકાર સજા માફી ન કરે તો કેદીએ પૂર્ણ સજા ભોગવવી પડે.
ભારતીય બંધારણના આર્ટિકલ 161 મુજબ રાષ્ટ્રપતિ પાસે સજા માફીની સત્તા છે. આ સિવાય સીઆરપીસી 433 હેઠળ સરકાર કમિટી બનાવી સજા માફી આપી શકે તેમ છે. આ અંગે એવું કહેવાય છે કે, રાજ્યપાલે અનિરૂદ્ધસિંહને માફી આપેલી પણ સરકારે કહ્યું છે કે, 433 હેઠળ અમે માફી આપેલી નથી. પૂર્વે એડીજીપી ટી.એસ બીષ્ટ દ્વારા પરિપત્ર કાઢી અનિરૂદ્ધસિંહને જે માફી આપી છે એ ગેરકાયદે આપેલી છે. આથી હવે અનિરૂદ્ધસિંહ કોર્ટ સમક્ષ સરેન્ડર કરે ત્યારબાદ સરકાર કે રાષ્ટ્રપતિ તેમની સજા માફી કરે તો જ તેઓ જેલ બહાર આવી શકે તેમ છે. કોઈ એમ કહેતું હોય કે, અનિરૂદ્ધસિંહને વધુ સમય જેલમાં રહેવું નહીં પડે તો એ સરકાર અને રાષ્ટ્રપતિ પર છે કે તેઓ તેને ક્યારે સજા માફી આપે છે. જો તેઓ સજા માફી ન આપે તો તેઓને જેલમાં જ રહેવું પડે.
શું હતી સમગ્ર ઘટના?
કેસની વિગત મુજબ ગોંડલની સંગ્રામસિંહજી હાઇસ્કૂલમાં 15 ઓગસ્ટ 1988ના સ્વતંત્રતા દિવસે ધ્વજવંદન કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાને અનિરૂદ્ધસિંહ જાડેજા દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પછી પોલીસે અનિરૂદ્ધસિંહ જાડેજા અને નિલેશ કુમારની ધરપકડ કરી હતી. તેઓને સાક્ષીઓ પ્રતિકૂળ હોવાથી કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી જેની સામે સરકાર દ્વારા અપીલ કરવામાં આવતાં તા.10-7-1997ના રોજ સુપ્રીમ કોર્ટે જન્મટીપની સજા ફટકારી હતી. બાદમાં અનિરૂદ્ધસિંહ જાડેજા ત્રણ વર્ષ સુધી ફરાર રહ્યા હતા. અનિરૂદ્ધસિંહ જાડેજાએ 18 વર્ષની સજા ભોગવી હતી.ત્યારબાદ અનિરૂદ્ધસિંહ જાડેજાના પુત્ર એ 29 જાન્યુઆરી 2018ના રોજ જેલના એડીજીપી ટી.એસ બીષ્ટને પત્ર લખીને માફી પર મુક્ત કરવાની વિનંતી કરી હતી. આ પત્રને ધ્યાનમાં લઈને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
- Advertisement -
સ્વ. ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠીયાએ એડવોકેટ સુમિત સિકરવાર મારફતે અરજી દાખલ કરીને અનિરૂદ્ધસિંહ જાડેજાની સજા માફીને પડકારી છે. આ અરજીના આધારે હાઇકોર્ટ રાજ્ય સરકાર, પૂર્વે એડીજીપી ટી.એસ બીષ્ટ અને અનિરૂદ્ધસિંહ જાડેજાને નોટિસ ફટકારીને જવાબ માંગ્યા છે. સજા માફીની પડકારતી અરજીની સુનાવાણીમાં સજા માફીનો લાભ આપવા મુદ્દે વહેલા જેલમાંથી મુક્ત કરવા મામલે સરકાર અને જેલ સત્તાવાળાઓના નિર્ણયની આલોચના કરી હતી. દલીલ કરી હતી કે, 2017માં ઘડવામાં આવેલી માફીની નીતિનું પાલન કરવામાં આવ્યું નથી. હાઇકોર્ટના ન્યાયધીશ એચ.ડી સુથારે સરકારે કઈ જોગવાઈના આધારે સજા માફીનો લાભ અપાયો તેનો ખુલાસો માંગ્યો છે. જેલ વિભાગ અધિકારીને અને સરકાર પક્ષ તરફથી સજા માફીના લાભની નીતિ અંગે સવાલો કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ, આજીવન કેદ એટલે જીવે ત્યાં સુધી સજા ભોગવવાની હોય છે. રાજ્ય સરકાર દ્વારા કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા વિના ખોટી રીતે નિર્ણય લેવાયો છે.