ટેરિફ વોર : શી જિનપિંગ ઝનૂને ભરાયા છે
ચીને આ ધમકી એવા સમયે આપી છે કે જયારે ટ્રમ્પ પ્રશાસને કેટલાએ દેશો પર દબાણ કર્યું છે કે ટેરિફમાં છૂટછાટ જોઈએ તો ચીન સાથે વેપાર સિમિત રાખો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.22
અમેરિકા-ચીન વચ્ચેની ટેરિફ વોરમાં તણખા ઉડી રહ્યા છે. ચીનના પ્રમુખ શી-જિનપિંગ તો રીતસર ઝનૂને ચઢ્યા હોય તેમ લાગે છે. તેઓએ અન્ય દેશોને ખુલ્લં ખુલ્લા ધમકી આપતાં કહ્યું છે કે, ’જો કોઈ પણ દેશ ટ્રમ્પ સાથે ટેરિફ અંગે એવી સમજૂતી કરશે કે જે ચીનના હિતોની વિરુદ્ધ હોય તો તેનું પરિણામ ભયંકર આવશે. ચીનને તેવી સમજૂતી સ્વીકાર્ય નહીં રહે અને તેના જવાબી પગલાં
લેશે જ.
- Advertisement -
ચીનની આ ધમકી એવા સમયે આવી છે કે જ્યારે ટ્રમ્પ-પ્રશાસને કેટલાએ દેશો ઉપર દબાણ કર્યું છે કે, જો તેમને ટેરિફમાં છૂટછાટો જોઈએ તો ચીન સાથેનો વ્યાપાર મર્યાદિત રાખવો પડશે.
પ્રમુખ ટ્રમ્પે તમામ દેશો ઉપર 10 ટકા ટેરિફ લગાડયો છે. જ્યારે ચીનના માલ ઉપર 245 ટકા જેટલો ટેરિફ ઝીંક્યો છે. જવાબમાં ચીને અમેરિકાના માલ ઉપર 125 ટકા જેટલો ટેરિફ ઝીંક્યો છે. અમેરિકાની આ નીતિ વિશ્વ-વ્યાપારને સંકટમાં મુકી રહી છે, મંદીની આશંકા વધી રહી છે. ચીનનાં વાણિજય મંત્રાલયે, સોમવારે એક નિવેદન પ્રસિદ્ધ કરી કહ્યું છે કે, કોઈ પણ દેશ જે ચીનનાં હિતોને ધ્યાનમાં લીધા સિવાય, અમેરિકા સાથે મોટા સોદા કરશે તો એ બંને પક્ષો માટે નુકસાન કારક બની રહેશે.બૈજિંગે અમેરિકા ઉપર આક્ષેપ કર્યો છે કે, તે બદલો લેવા માટે જ ટેરિફ લગાડે છે. વાતચીતનાં નામે ધમકાવવાની વાત કરે છે. પરંતુ ચીન તેના અધિકારોનું રક્ષણ કરવા પૂરું સક્ષમ છે અને આ યુદ્ધ અંત સુધી લડી લેવા તૈયાર છે. આ ટેરીફ વોર દરમિયાન ચીને બોઈંગ પાસેથી વિમાનો ખરીદવાનો સોદો છેલ્લી ઘડીએ રદ્દ કર્યો છે. આ પરિસ્થિતિમાં પણ પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, ટેરિફ અંગે અમેરિકા અને ચીન વચ્ચે મંત્રણા ચાલી રહી છે. તેઓએ વ્હાઈટ હાઉસમાં પત્રકારોને કહ્યું હતું કે, હા ! અમે ચીન સાથે મંત્રણા કરી રહ્યા છીએ, મને લાગે છે કે, ચીન સાથે બહુ ફળદાયી સમજૂતી અમે કરી શકશું.પરંતુ ચીન તરફથી હજી સુધી તે મંત્રણા અંગે કોઈ પુષ્ટિ મળી નથી. ઉલટાનું બૈજિંગે અમેરિકાની નીતિઓને, એક તરફી અને રક્ષણવાદી કહી છે અને ચેતવણી ઉચ્ચારી છે કે તે દુનિયાને જંગલના-કાનૂન તરફ ધકેલી દેશે.