કલમ 14 નું પ્રથમ વખત ટેક્ષ સંબંધીત અર્થઘટન: દેશમાં વ્યાપકપણે આઈસ્ક્રીમ ખવાઈ છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.5
- Advertisement -
છતીસગઢ હાઈકોર્ટે એક મહત્વના ચૂકાદામાં આઈસ્ક્રીમ એ કોઈ લકઝરીયસ ખાદ્ય પદાર્થ નથી તેવું જણાવીને જીએસટીની કમ્પોઝીશન સ્કીમમાંથી આઈસ્ક્રીમને બાકાત રાખવાના કાઉન્સીલના નિર્ણય પર પુન: વિચારણા કરવા સલાહ આપી છે. દેશભરમાં આઈસ્ક્રીમ પર 18 ટકાનો જીએસટી લગાવાય છે જયારે કમ્પોઝીશન સ્કીમમાં 5 ટકાના જીએસટી દર અમલી છે.
છતીસગઢ હાઈકોર્ટએ તેના તા.1ના ચૂકાદામાં જણાવ્યું કે કોઈપણ કર સીસ્ટમ અંગેના કાનૂન બંધારણની કલમ 14 કે જેમાં સમાનતાનો અધિકાર અપાયો છે તેના મુજબ હોવું જોઈએ. આઈસ્ક્રીમ એ દેશભરમાં વ્યાપકપણે અને કોઈ ગરીબ-અમીરના ભેદભાવ વગર ખાવામાં આવે છે અને તેથી તેને લકઝરીયસ આઈટમ ગણી શકાય નહી. દેશના સામાજીક અને આર્થિક માળખાને વિચારીને તથા બંધારણની મૂળ ભાવના જે સમાનતાનો અધિકાર આપે છે તેને ધ્યાનમાં લઈને ટેક્ષના દર નકકી કરવા જોઈએ.
ખાસ કરીને આઈસ્ક્રીમના નાના ઉત્પાદકોને 18 ટકાના જીએસટીને બદલે કમ્પોઝીશન સ્કીમમાં સામેલ કરવા ભલામણ કરવામાં આવી છે. છતીસગઢના નાના આઈસ્ક્રીમ ઉત્પાદકોએ જીએસટી કાઉન્સીલના એ નોટીફીકેશન સામે રીટ કરી હતી જેમાં આઈસ્ક્રીમના તમામ ઉત્પાદકોને 18 ટકા જીએસટી હેઠળ આવરી લેવાયા હતા અને તેમને કમ્પોઝીશન સ્કીમનો લાભ ન મળે તેવું જણાવ્યું હતું.
- Advertisement -
આ સ્કીમ હેઠળ આવતા ઉત્પાદક કે વિક્રેતા પાંચ ટકાના દરે તેમના ટર્નઓવર પર ટેક્ષ ચૂકવીને જીએસટી મર્યાદામાં રહીને પણ કામ કરી શકે છે જેમાં એક તબકકે રૂા.50 લાખનું ટનઓવર મર્યાદા હતી તે વધારીને 1.50 કરોડ કરવામાં આવ્યું છે. જીએસટી કાઉન્સીલે આ ઉપરાંત આઈસ્ક્રીમના દરેક પ્રકારના ઉત્પાદકને કમ્પોઝીશન સ્કીમની બહાર રાખ્યા છે જેના કારણે તેઓ પર ટેક્ષનું ભારણ વધી ગયું છે અને આઈસ્ક્રીમ પણ મોંઘો બની ગયો છે.



