અભિનેતા સની દેઓલને લઈને મોટા સમાચાર આવ્યા સામે, એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ‘મને રાજકારણમાં મન નથી લાગતું, હવે ચૂંટણી નહીં લડું’
આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપ સાંસદ અને અભિનેતા સની દેઓલે આગામી લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. તેઓએ એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે તેઓ 2024માં લોકસભાની ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું કે ‘મને લાગે છે કે મારે એક અભિનેતા તરીકે દેશની સેવા કરવી જોઈએ, જે હું કરી રહ્યો છું.’ તેમણે કહ્યું કે ‘તમે કોઈપણ એક જ કામ કરી શકો છે. એક સાથે ઘણી વસ્તુઓ કરવી અસંભવ છે. હું જે વિચારીને રાજકારણમાં આવ્યો હતો, તે તમામ કામ હું અભિનેતા તરીકે પણ કરી શકું છું.’
વચન આપું અને તે પૂર્ણ ન કરી શકું તો મારાથી સહન ન થાયઃ સની દેઓલ
અભિનેતા સની દેઓલે કહ્યું કે, ‘એક્ટિંગની દુનિયામાં મારું જે દિલ કરે, એ હું કરી શકું છું. પરંતુ રાજકારણમાં જો હું કોઈ વચન (કમિટમેન્ટ) આપું અને તે વચન (કમિટમેન્ટ)ને પૂર્ણ ન કરી શકું, તો મારાથી તે સહન થતું નથી. હું એવું નથી કરી શકતો.’ આપને જણાવી દઈએ કે, સની દેઓની એક સાંસદ તરીકે લોકસભામાં માત્ર 19 ટકા જ હાજરી છે.
- Advertisement -
2019માં લડી હતી લોકસભાની ચૂંટણી
ફિલ્મ અભિનેતા સની દેઓલે વર્ષ 2019માં પોતાની રાજકીય સફર શરૂ કરી હતી, સની દેઓલે વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં પંજાબની ગુરદાસપુર લોકસભા બેઠક પરથી પોતાની કિસ્મત અજમાવી હતી અને જનતાએ પણ તેમને નિરાશ કર્યા ન હતા. ગુરદાસપુરની જનતાએ સની દેઓલને 84 હજારથી વધુ મતોના માર્જીનથી મોટી જીતના આશીર્વાદ આપ્યા બાદ લોકસભામાં મોકલ્યા હતા.
મતવિસ્તારમાં સતત થઈ રહ્યો છે વિરોધ
સની દેઓલે ચૂંટણી પ્રચાર દરમિયાન લોકસભા મતવિસ્તારના લોકોને મોટા મોટા વચનો પણ આપ્યા હતા, પરંતુ વચનો પૂરા કરવા તો દૂર, ચૂંટણી જીત્યા પછી તેઓ ક્યારેય ગુરદાસપુર ગયા પણ નથી. તેને લઈને જનતમાં આક્રોશ વધી રહ્યો છે. વિરોધીઓએ પણ સની દેઓલની મતવિસ્તારમાંથી સતત ગેરહાજરી અને લોકસભામાં પણ ગેરહાજરીનો મુદ્દો બનાવવાનું શરૂ કરી દીધું છે. ભૂતકાળમાં ગુરદાસપુરમાં પણ લોકોએ તેમના વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.
સ્થાનિકોએ લોકસભા સ્પીકરને લખ્યો હતો પત્ર
ગુરદાસપુરના મહોલ્લા સંત નગરના લોકોએ ફેબ્રુઆરી મહિનામાં જ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને સની દેઓલની સદસ્યતા રદ કરવાની માંગ કરી હતી. અમરજોત સિંહે પોતાના પત્રમાં લખ્યું હતું કે સની દેઓલ લગભગ ચાર વર્ષથી તેમના લોકસભા મતવિસ્તારમાંથી ગેરહાજર છે. ગુરદાસપુરના લોકોએ તેમને મોટી આશાઓ સાથે ચૂંટ્યા હતા.