રાજમાર્ગો પરથી નીકળતી ભવ્ય શોભાયાત્રામાં પરંપરાગત વેશભૂષા સાથે માનવ સાગર લહેરાશે
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં અષાઢી બીજના પાવન પર્વને ભરવાડ રબારી સમાજના લોકો મચ્છુ માતાજી તથા પૂનીયામામાના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવે છે અને વર્ષોથી પરંપરાગત રીતે અષાઢી બીજ નિમિતે મોરબીમાં ભરવાડ રબારી સમાજની આસ્થાનું પ્રતિક મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળે છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે મોરબીમાં શોભાયાત્રા યોજાઈ ન હતી ત્યારે કોરોના મહામારીના બે વર્ષ બાદ કાલે શુક્રવારે નીકળનારી શોભાયાત્રાની તડામાર તૈયારીઓને આયોજકોએ આખરી ઓપ આપ્યો છે સાથે સાથે આ દિવસે મચ્છુ માતાજીની જગ્યાના હાલના મહંત ગાડુંભગત નિવૃત થતા હોય તેમના પૌત્ર કીશન ભગતને મહંતની પદવી સોંપવામાં આવશે.
- Advertisement -
મોરબીમાં કાલે શુક્રવારે સવારે સાડા 9 વાગ્યાના અરસામાં નીકળનારી શોભાયાત્રાનું ભરવાડ સમાજના ધર્મગુરુ 1008 મહામંડલેશ્વર ઘનશ્યામપુરી મહારાજ પ્રસ્થાન કરાવશે અને આ શોભાયાત્રામાં હજારો રબારી ભરવાડ સમાજના લોકો પરંપરાગત વેશભૂષા સાથે જોડાશે. બાપુની ગાડી અને રથયાત્રા સહિતનો વાહનોનો મોટો કાફલો તેમજ જાણીતા કલાકાર બાબુ આહીર અને ભાવેશ ભરવાડ રથયાત્રામાં ગીત ગાતા ગાતા લોકોને ડોલાવશે.
મચ્છુ માતાજીની રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી દરબારગઢ પાસે મચ્છુ માતાજીની જગ્યા ખાતે પહોંચીને સંપન્ન થશે જ્યાં હજારો ભાવિકો માટે મહાપ્રસાદ લેશે.
- Advertisement -
શોભાયાત્રા દરમિયાન પોલીસનો લોખંડી બંદોબસ્ત !
મોરબી ખાતે યોજાનાર શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી પઠાણ, એસઓજી પી આઈ જે. એમ. આલ અને એ ડિવિઝન પી આઈ મયંક પંડયાએ પોલીસ કાફલા સાથે ફૂટ પેટ્રોલિંગ કરીને સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું તેમજ એસપી ત્રિપાઠીએ શાંતિ સમિતિની બેઠક પણ યોજી હતી. આ શોભાયાત્રામાં પોલીસ કાફલાનો લોખંડી પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે અને સાથે સાથે ખાનગી રાહે પોલીસ વોચ પણ ગોઠવવામાં આવી છે.
ભરવાડ રબારી સમાજના લોકનૃત્યો બનશે આકર્ષણનું કેન્દ્ર !
રાહડા, હુડો અને ટીટોડો જેવા લોકનૃત્યો રબારી ભરવાડ સમાજની પરંપરાગત સંસ્કૃતિ હોવાથી આ રથયાત્રામાં રાહડા, હુડો અને ટીટોડો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. રબારી અને ભરવાડ સમાજના લોકો ડીજેના તાલે મન મૂકીને પરંપરાગત ગીતોના સથવારે રાહડા, ટીટોડો અને હુડો જેવા લોકનૃત્યો રજૂ કરશે. આ રથયાત્રામાં આખું શહેર જોડાશે એટલે રથયાત્રા જ્યાંથી નીકળશે ત્યાં ખરેખર માનવ મહેરામણ ઉમટી પડશે.