રીબડામાં જયરાજસિંહ જાડેજાનું મહાસંમેલન
અમારી જમીન પાણીના ભાવે પડાવી લીધી: ગ્રામજનોનો આક્ષેપ
- Advertisement -
દેશ આઝાદ થયો એને 75-75 વર્ષનાં થયા છતાં હજુ આજ સુધી રીબડા ગામ આઝાદ થયું નથી : ગ્રામજનોની હૈયાવરાળ
આ ગામમાં કોઈની દાદાગીરી ચલાવી નહીં લઉં

- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રીબડામાં પટેલ યુવાન પર થયેલા હુમલાના બીજા જ દિવસે જયરાજસિંહ જાડેજા દ્વારા મહાસંમેલન યોજાયું હતું, જેમાં ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, પૂર્વ ધારસભ્ય જયરાજસિંહ જાડેજા, ઉદ્યોગપતિ ગોવિંદ સગપરિયા, મગન ઘોણિયા, રાજેન્દ્રસિંહ જાડેજા, જયંતી સરધારા સહિતના લોકો હાજર રહ્યા હતા. સભામાં રીબડા ગામની મહિલાઓએ અશ્રુભીની આંખે પોતાની વ્યથા રજૂ કરી હતી. અને કહ્યું હતું કે આજે પણ મહિપતસિંહ જાડેજા અને તેના પરિવારજનો તેમના ઘરની બહાર પણ નીકળવા દેતા નથી અને ત્રાસ ગુજારે છે. ત્યારે જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે આજના દિવસે એટલે કે 22 ડિસેમ્બરે રીબડા ગામ આઝાદ થયું છે. આ ગામનું પગીપણું કરીશ અને રીબડામાં ઘણાં મકાન ખાલી છે, તો જરૂર પડશે તો એ મકાનમાં રહેવા પણ આવી જઈશ.

આ તકે મંચ પર બહોળી સંખ્યામાં રીબડાની મહિલાઓ પણ આવી હતી અને અશ્રુભીની આંખે પોતાની વ્યથા રજૂ કરી હતી અને કહ્યું હતું કે આજની તારીખે પણ મહિપતસિંહ જાડેજા અને તેના પરિવારજનો તેમને ઘરની બહાર પણ નીકળવા દેતા નથી. ઘરના દરવાજાની આડે વાહનો ઊભાં રાખી ત્રાસ ગુજારે છે. ગામના વડીલ વૃદ્ધોને શેરી ગલીઓમાં ચક્કર મારવાની પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે. એથી વિશેષ વારાફરતી વારા યુવાનો પણ મંચ પર આવ્યા હતા અને ખુલ્લેઆમ કહ્યું હતું કે અમારી જમીન મહિપતસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજાનો પરિવાર પાણીના ભાવે પડાવી લે છે અને એને સોનાના ભાવે વહેંચી તગડી કમાઈ કરે છે. દેશ આઝાદ થયો એને 75 -75 વર્ષનાં વાણાં વીતી ગયાં છે, પરંતુ હજુ આજની તારીખ સુધી અમારું રીબડા ગામ આઝાદ થયું નથી. મહિપતસિંહ જાડેજાના પરિવારની ગુલામી આજની તારીખમાં પણ વેઠવી પડી રહી છે. એમાંથી મુક્તિ અપાવવા ગ્રામજનોએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને બીડું ઝડપવા આહવાન કર્યું હતું.

અત્યાચાર કરવો એ પાપ: ધારાસભ્ય ગીતાબા જાડેજા
ધારાસભ્ય ગીતાબા જાડેજાએ જણાવ્યું હતું કે કોઈના ઉપર અત્યાચાર કરવો એ પાપ છે અને અત્યાચાર સહન કરવો એ પણ મોટું પાપ છે. અમે અને અમારો પરિવાર તમારી સુરક્ષા માટે જવાબદાર છીએ અને એની જવાબદારી સંપૂર્ણપણે નિભાવીશું.



