ભારતની મુલાકાત લીધી ત્યારે ગાંધીજીના પગના નિશાન જોયા
ખાસ-ખબર સંવાદદાતા
મહાત્મા ગાંધીજીના આદર્શો ,વિચારો ભારતમાં જ નહીં પણ દુનિયાના બીજા દેશોમાં આજે પણ એટલા જ પ્રસ્તુત છે. અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સનુ કહેવુ છે કે, મહાત્મા ગાંધી આજે જીવતા હોત તો પ્રવાસી શ્રમિકો, ગન કલ્ચર, બેઘર લોકો અને ડ્રગ્સની તસ્કરી અટકાવવાના મુદ્દાઓ પર કામ કરતા હોત. મેં ભારતની મુલાકાત લીધી ત્યારે ગાંધીજીના પગના નિશાન જોયા હતા. આ નિશાન ગાંધીજીની હત્યા થઈ તે સ્થળે છે. હત્યા થઈ તે પહેલા ગાંધીજી જે રસ્તા પર ચાલ્યા હતા ત્યાં તેમના પગના નિશાન જાળવી રખાયા છે. ભારતના આઝાદી પર્વની ઉજવણી નિમિત્તે ન્યૂયોર્કમાં યોજાયેલા સમારોહમાં બોલતા એડમ્સે કહ્યુ હતુ કે, બંદુકની ગોળીએ ભલે મહાત્માને શરીર સ્વરુપે આપણી વચ્ચેથી છીનવી લીધા હોય પણ આધ્યાત્મિક સ્વરુપે આપણે તેમના પગલા પર ચાલવાનુ છે. ગાંધીજીની જીવન શૈલીનો અભ્યાસ કરવાનો છે અને આપણે ગાંધી જેવુ બનવાની જરુર છે. ડો. માર્ટિન લ્યુથર કિંગે ગાંધીજીના પગલે ચાલવાનુ નક્કી કર્યુ હતુ અને તે પ્રમાણે જ ચાલ્યા હતા. ચાલો આપણે બધા એવુ વિચારીએ કે ,હું ગાંધી જેવો છું, હું ગાંધીની જેમ વિચારુ છુ અને હું ગાંધી જેવો બનવા માંગું છું. આપણે વેદોનો અભ્યાસ કરવો જોઈએ. વિજ્ઞાન પરના આપણા વિચારોને વાંચવા જોઈએ અને આધુનિક રામાયણને જીવનમાં ઉતારવુ જોઈએ. આપણે બુરાઈ સામે સચ્ચાઈનુ નેતૃત્વ કરી શકીએ તેમ છે.