રાજકોટની ડીસેબલ આઈ.ટી.આઈમાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી શરૂ
રાજકોટ- ઓદ્યોગિક તાલીમ સંસ્થા ડિસેબલ રાજકોટ સંસ્થા ખાતે ચાલતા વિવિધ વ્યવસાયલક્ષી તાલિમ કોર્સમાં લાંબા ગાળાના કોર્ષ જેવા કે કોમ્પ્યુટર ઓપરેટર, હેર સ્કીન કેર કટીંગ સુઈગ ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર અને ટુંકાગાળાના કોર્સ જેવા કે ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરસ્ટોર સેલ્સ એસોસીએટ અને સ્ટોર ઓપરેશન આસિસ્ટન્ટમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારોએતા. ૨૦/ ૭/૨૧ સુધીમાં આઇ.ટી.આઇના એડમિશન ની વેબસાઈટ https://itiadmission.guj.nic.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે અથવા સંસ્થા ખાતે તેમજ અન્ય નજીકની આઈટીઆઈમાં જઇ ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી પ્રમાણપત્રોની નકલો રજિસ્ટ્રેશન ફી સાથે આઈ.ટી.આઈ માં જમા કરવાનું રહેશે આઇટીઆઇ ડિસેબલ રાજકોટનું એડ્રેસ ઓદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટ, હોસ્ટેલ બિલ્ડીંગ ભાવનગર રોડ, રાજકોટ આઈ.ટી.આઈની સામે રાજકોટ ૩૬૦૦૦૩ છે. વધુ માહિતી માટે ફોન નંબર ૦૨૮૧ ૨૩૮૯૦૬૬ અથવા સંસ્થા ખાતેના માહિતી કેન્દ્રનો રૂબરૂ સંપર્ક કરવો તેમ આચાર્ય, આઈ.ટી.આઈ રાજકોટ ની યાદીમાં જણાવ્યું છે.
આઈ.ટી.આઈ. રાજકોટમાં વ્યવસાયલક્ષી તાલિમ મેળવો અને આત્મનિર્ભર બનો
રાજકોટ- વર્તમાન સમયમાં રાજ્ય સરકાર અને રાષ્ટ્રમાં વિવિધ ક્ષેત્રે ઔદ્યોગિકરણનો વ્યાપ વધી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ આપણા દેશમાં ઉદ્યોગો સ્થાપી રહી છે. અલગ અલગ તમામ ક્ષેત્રો રોજગારી ક્ષેત્રે ઉભરી રહ્યા છે. આવા સંજોગોમાં વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવીને વ્યાવસાયિક કૌશલ્ય પ્રાપ્ત કરનાર ઉમેદવારો માટે રોજગારી અને સ્વરોજગારી મેળવવાની વધુ તકો ઉજ્જવળ થઈ રહી છે. રાજ્યમાં આઇ.ટી.આઈ. દ્વારા અપાતી તાલીમ દ્વારા કૌશલ્ય પ્રાપ્ત કરીને ઘણા બધા ઉમેદવારો દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ સારી રોજગારી મેળવી રહ્યા છે. આથી સરળતાથી રોજગારી પ્રાપ્ત કરી આત્મનિર્ભર બનવા માટે વ્યવસાયલક્ષી શિક્ષણ અપાવવું જ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગના નેતૃત્વ હેઠળ રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળ ગુજરાતની નંબર વન આઇ.ટી.આઈનું બિરુદ મેળવનાર રાજકોટ આઇ.ટી.આઈમાં વ્યવસાયલક્ષી તાલીમ માટે વિસ્તૃત અને વ્યાપક તાલીમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહી છે જેનો શ્રેય પ્રિન્સીપાલ નિપુણ રાવલ અને તેની ટીમને જાય છે.
- Advertisement -
વ્યવસાયલક્ષી તાલીમ માટે ભારત સરકારના સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટ્રપ્રિન્યરશિપ મંત્રાલય હસ્તકની ડાયરેકટર જનરલ ઓફ ટ્રેનિંગ, ન્યુ દિલ્હી દ્વારા ઘડાયેલા કારીગર તાલીમ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વિવિધ ઉદ્યોગો અને સેવા ક્ષેત્રે અને કુશળ માનવબળ ઉપલબ્ધ કરાવવાનો છે. તેમજ જુદા જુદા ક્ષેત્ર પણ વિકસતી જતી ટેકનોલોજી અંગે ઉમેદવારોને તાલીમ આપીને રોજગારી મેળવવામાં મદદરૂપ થવાનો છે. કારીગર તાલીમ યોજના હેઠળ નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ(NCVT) દ્વારા રાષ્ટ્રીય કક્ષાના અને ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (GCVT) દ્વારા રાજ્યકક્ષાના વ્યવસાયોનું સંચાલન આઇ.ટી.આઈ દ્વારા થાય છે.
રાજકોટ જીલ્લો ઈજનેરી ક્ષેત્ર માટે મહત્વનું કેન્દ્ર ગણાય છે. વધુમાં વધુ ક્ષેત્રે મેન્યુફેક્ચરિંગ, ઓટોમોબાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ, રેફ્રિજરેશન, પ્લમ્બિંગ, કાર્પેન્ટર, ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિશિયન સેક્ટરની ઈન્ડસ્ટ્રીઝમાં કુશળ માનવબળ પૂરું પાડવામાં આઈ.ટી.આઈ રાજકોટ મહત્વનો ભાગ ભજવે છે. જેના માટે વિવિધ ક્ષેત્રોના લાંબા અને ટૂંકા ગાળાના કોર્ષ ચલાવવામાં આવે છે. આ માટે અનુભવી શિક્ષકો દ્વારા તાલીમ આપવામાં આવે છે. દરેક કોર્સ માટે અદ્યતન મશીનરી ઉપલબ્ધ છે, એના પર પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ માટે જરૂરી કાચોમાલ રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે પૂરો પાડવામાં આવે છે.
આઈ.ટી.આઈ રાજકોટ તાલીમ અને રોજગાર ઉપર પણ પૂરતું ધ્યાન આપે છે. પ્રેક્ટીકલ તાલીમને પ્રાધાન્ય આપવા અને તાલીમાર્થીને ઇન્ડસ્ટ્રીઝના વાતાવરણનો અનુભવ કરાવવા માટે વિવિધ ક્ષેત્રની ૩૨ કંપનીઓ સાથે dual system of training અંતર્ગત એમ.ઓ.યુ કરેલા છે. જેમાં સેમસંગ ઈન્ડીયા, હોન્ડા ટુ વ્હીલર, ફોર્ડ ઇન્ડિયા દ્વારા સામાજિક જવાબદારી અંતર્ગત અદ્યતન લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં લેટેસ્ટ મશીનરી પર અદ્યતન ટેકનોલોજી પ્રમાણની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવે છે.આ ઉપરાંત, આઇ.ટી.આઈ રાજકોટમાં સોફ્ટસ્કિલની તાલીમ પણ આપવામાં આવે છે. મહિલાઓ માટે મોટર ડ્રાઇવિંગ સ્કૂલ પણ ચાલુ કરવામાં આવી છે.
- Advertisement -
ઇન્ડસ્ટ્રીઝની ડિમાન્ડ પ્રમાણે માનવબળ બનવા તૈયાર થાય તે માટે આઈ.ટી.આઈ રાજકોટ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન સાથે મળીને સ્કીલ ગેપ સ્ટડી કરીને ડિસ્ટ્રીક સ્કીલ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કર્યો છે. આઇ.ટી.આઈ રાજકોટ દ્વારા પંપ એસોસિએશન અને લોધીકા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનની સાથે એમ.ઓ.યુ કર્યા છે. જે મુજબ ઇન્ડસ્ટ્રીઝની ડિમાન્ડ પ્રમાણે ઓન ધ જોબ તાલીમ આપવામાં આવે છે. આઈ.ટી.આઈમાં કામ કરતા ઇન્સ્ટ્ક્ટરોને સતત અપડેટ રાખવા માટે ટ્રેઈનિંગ ઓફ ટ્રેઈનર સેન્ટર પણ રાજકોટ ખાતે ચાલી રહ્યું છે.
મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત તાલીમાર્થીને ઇન્ડસ્ટ્રીઝમાં ટ્રેનિંગ મળે છે સાથો-સાથ સ્ટાયફંડ પણ મળે છે. આ સ્કીમ અંતર્ગત તાલીમાર્થીને નામાંકિત કંપનીમાં ટ્રેનિંગની સાથે સાથે રોજગારીની ઉત્તમ તક પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
કેમ્પસ પ્લેસમેન્ટમાં સદા અગ્રેસર રહ્યું છે. એ માટે વિવિધ ક્ષેત્રની નેશનલ ઇન્ટરનેશનલ કંપનીઓ વર્ષ દરમિયાન પ્લેસમેન્ટ માટે રાજકોટ આઈ.ટી.આઈની મુલાકાત લે છે. રાજકોટ ખાતે યોજાતા કેમ્પસ પ્લેસમેન્ટમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોના નવ યુવાનો રોજગારી મેળવવા આવે છે. કેમ્પસ પ્લેસમેન્ટ માટે વર્ષ ૨૦૧૮ માં ૬૪ કંપનીઓએ કેમ્પસ પ્લેસમેન્ટમાં માટે રાજકોટ આઈ.ટી.આઈ ની મુલાકાત લીધી હતી અને ત્રણ હજારથી વધારે તાલીમાર્થીઓને રોજગારીની તક ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. તેમજ વર્ષ ૨૦૧૯ માં ૪૦ થી વધારે કંપનીઓએ કેમ્પસ પ્લેસમેન્ટમાં માટે આવી જેમાં ૨૦૦૦ થી વધારે તાલીમાર્થીઓને રોજગારીની તક ઉપલબ્ધ કરાવવામાં આવી અતી. કોરોનાના સમયમાં પણ ઓનલાઇન પ્લેસમેન્ટ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. જેમાં પણ અનેક વિદ્યાર્થીઓને રોજગારીની તકો ઉપલબ્ધ થઈ છે. રાજકોટ આઈ.ટી.આઈ સ્કીલ ડેવલપમેન્ટ થકી સ્કીલ ઇન્ડિયા, કૌશલ્ય ભારત-કુશળ ભારતના સુત્રને સાકાર કરવા ભારે જહેમત ઉઠાવી રહી છે. આવી વ્યવસાયલક્ષી તાલીમ લઈને વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બને અને દેશ આત્મનિર્ભરતાની રાહ પર આગળ વધે તે માટે આઈ.ટી.આઈ અનેક નવા પગલાં લઈ રહી છે.