કટોકટીના 50 વર્ષ પૂર્ણ : લોકશાહીના આત્માના રક્ષણકર્તા વિરલાઓના સંઘર્ષને યાદ કરી પૂર્વ મંત્રી વજુભાઈ વાળાએ સ્વાનુભવ જણાવ્યો
શારીરિક અને આર્થિક સમસ્યાઓ સામે સાવરકરજીના જીવનમાંથી પ્રેરણા મેળવતા હતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આઝાદ ભારતમાં આઝાદી ઝંખતા લોકો, લોકશાહી મૂક અને અખબારો પર સંપૂર્ણ સરકારી નિયંત્રણ કોઈ ને ખબર નહોતી કે કયારે તેમને કોઈપણ કારણ વગર જેલમાં પૂરી દેવામાં આવશે. આ વાત છે વર્ષ 1975ની. ભારતમાં 25 જુન 1975ના રોજ તત્કાલીન વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધી દ્વારા લદાયેલી કટોકટીને આ વર્ષે 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 1975ની કટોકટી એ ભારતના લોકશાહી ઈતિહાસનું એક એવું પ્રકરણ છે જેણે દેશના જનમાનસને આત્મપરીક્ષણ અને સામાજિક ચેતનાની જાગૃતિની દિશામાં દોર્યું હતું. “કટોકટી સામે લોકશાહીને બચાવવા માટે અમે સંઘર્ષ કર્યો, 11 માસ જેલવાસ વેઠ્યો, જે દરમ્યાન અમે શારીરિક, સામાજિક અને આર્થિક સમસ્યાઓ સામે સાવરકરજીના જીવનમાંથી પ્રેરણા મેળવતા હતા” આ શબ્દો છે આ સમગ્ર કાળખંડના સાક્ષી રહેલા રાજકોટના વિરલ વ્યક્તિત્વ ગુજરાતના પૂર્વ મંત્રી તથા કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળાના.
સમાજ જાગૃતિના મજબૂત પરિબળ તરીકે કટોકટીએ લોકચેતના જગાવી હતી. કટોકટી દરમિયાનના સ્વાનુભવો જણાવતાં વજુભાઇ વાળાએ કહ્યું હતું કે, વર્ષ 1975મા લોકસભા ચૂંટણીમાં સરકારી કર્મચારીઓના ગેરઉપયોગ બદલ તત્કાલીન પ્રધાનમંત્રી સ્વ. ઈન્દિરાબેન ગાંધી સામે કોર્ટમાં પિટિશન થઈ અને પુરવાર થતાં તેમને સાંસદ તરીકે ગેરલાયક ઠરાવવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા ગેરલાયક ઠરતાં તેઓ છ વર્ષ સુધી ચૂંટણી ન લડી શકે અને શાસન પર ન આવી શકે. આ ચુકાદા બાદ સ્વ. ઈન્દિરા ગાંધીએ પોતાના રાજનૈતિક શાસનને ટકાવવા દેશમાં કટોકટી લાદી હતી. કટોકટી દરમિયાન કોઈ પણ વ્યક્તિની ગમે ત્યારે અટકાયત થતી, અખબારોને પણ કોઈ સ્વતંત્રતા નહોતી. ગુજરાતમાં એ સમયે સંગઠનની સરકાર હતી. જેથી શરૂઆતના સાત મહિના ગુજરાતમાં કટોકટીની સ્થિતિ નહોતી. પરંતુ સાત મહિના બાદ સંયુક્ત સરકારની બહુમતી ઓછી થતાં બાબુભાઈ પટેલે રાજીનામું આપ્યું અને રાજ્ય માટે એડમિનિસ્ટ્રેટર મુકાયા. તે જ દિવસે જનસંઘ અને કોંગ્રેસ સિન્ડિકેટ (સ્વ. ઇન્દિરા ગાંધી વિરુધ્ધના કોંગ્રેસી સદસ્યો)ના અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
- Advertisement -
સ્વ.ચીમનભાઈ શુક્લ, સ્વ.કેશુભાઈ પટેલ, સ્વ. અરવિંદભાઈ મણિયાર, સ્વ.પ્રવિણભાઈ મણિયાર અને હું, અમને સૌને અટકાયત કરી સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા. કટોકટીનો 11 માસથી વધુનો સમય અમે જેલમાં રહ્યા હતા. જેમાં અઠવાડિયે એક વાર પરિવારની વ્યક્તિ સાથે થોડી વાર માટે મળવા દેવામાં આવતું. સાથે જ જેલનું જમવાનું આપવામાં આવતું. આ દિવસોમાં અમે સામાન્ય દિનચર્યા સાથે સાંજે 4 થી 5 વાગ્યા દરમિયાન કટોકટીની સ્થિતિ તેમજ તેમાંથી બહાર નીકળવા વિષે ચર્ચા કરતા હતા.
કટોકટીના દિવસોમાં મનોબળ મક્કમ રાખવા માટે અમે સાવરકરજીના જીવનનું દ્રષ્ટાંત ધ્યાને લેતા, “જેમણે આઝાદી માટે ગળા અને હાથમાં બેડીઓ સાથે કાળા પાણી જેવી આકરી જેલની સજા ભોગવી હતી. તો અમે તો આઝાદી માટે કંઈ જ દુ:ખ વેઠી રહ્યા નથી” તેવો અનુભવ કરતા. આ જેલવાસમાં યાતનાઓ સાથે સૌના સાથે રહેવાનો આનંદ પણ હતો. વળી જેલમાં હોવાથી સામાજીક, આર્થિક સમસ્યાઓ પણ હતી ત્યારે જેલમાં શારીરિક શ્રમ કરી મનોબળ અને શરીર બંનેને મજબૂત બનાવતા હતા.
1976માં લોક જુવાળ બાદ ચૂંટણી જાહેર કરવામાં આવી અને સૌને કટોકટી મુક્ત કરવામાં આવ્યા. કટોકટીના અંધકારમાંથી જે જ્યોત પ્રગટી તેના પરિણામરૂપ ચૂંટણીમાં સંયુક્ત સરકાર જીતી અને લોકોએ ઇન્દિરા ગાંધીને જાકારો આપ્યો હતો. કટોકટી દરમિયાન નાગરિકોના અધિકારો છીનવાયા, તેના વિરુદ્ધમાં ઉઠતા દરેક અવાજને દબાવી દેવામાં આવ્યા હતા ત્યારે 50 વર્ષે આ કટોકટીના કલંકિત ઇતિહાસ સામે સંગઠિત સમાજ સાથે રાષ્ટ્રનિર્માણમાં લોકશાહીની આત્માના રક્ષણમાં પ્રદાન આપનારા આ વિરલાઓના સંઘર્ષને યાદ કરી ભારતીય લોકશાહીને મજબૂત બનાવવામાં જન જન પ્રયાસ રત રહે તે જ જવાબદાર નાગરિક હોવાનો સંકેત છે.



